અક્ષર પટેલનાં મમ્મી-પપ્પાએ પૅવિલિયનમાં બેસીને પહેલી વખત જ જોઈ દીકરાની રમત

07 November, 2014 06:01 AM IST  | 

અક્ષર પટેલનાં મમ્મી-પપ્પાએ પૅવિલિયનમાં બેસીને પહેલી વખત જ જોઈ દીકરાની રમત




ગઈ કાલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની વન-ડે મૅચમાં લોકલ બૉય અક્ષર પટેલનાં ફાધર–મધરે પૅવિલિયનમાં બેસીને પહેલી વાર દીકરાને મેદાનમાં રમતો જોયો હતો. એમાં પણ દીકરાએ તેની પહેલી જ ઓવરમાં દિલશાનની વિકેટ ઝડપતાં ખુશીથી ઝૂમી ઊઠ્યાં હતાં.

અમદાવાદ નજીક આવેલા ગુજરાતના નાના ટાઉન નડિયાદના ઊભરતા ઑલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલને મેદાનમાં રમતો જોવા માટે નડિયાદથી ૩૦૦થી વધુ તેના ફૅમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ આવ્યા હતા. અક્ષર પટેલના ફાધર રાજ્ન્દ્ર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ઇન્ટરનૅશનલ વન-ડે મૅચમાં ટીમ ઇન્ડિયા વતી મારા દીકરાને રમતો જોવા અમે પહેલી વાર આવ્યાં છીએ. તેની બોલિંગ સુપર્બ રહી. મને મારા દીકરા પર એટલા માટે ગર્વ છે કે તેણે અમારી સાથે દેશ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.’

અક્ષરનાં મધર પ્રીતિ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મને ભગવાને આવો દીકરો આપ્યો એ માટે હું ગૌરવ અનુભવું છું. તેનું પર્ફોર્મન્સ મને સારું લાગ્યું અને તેને મેદાનમાં રમતો જોઈને અમે આનંદ અનુભવી રહ્યાં છીએ.’

અક્ષર પટેલની જેમ ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર અને ઘણા સમયથી દેશ માટે રમી રહેલા સૌરાષ્ટ્રના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના બે ભાઈઓ પણ મૅચ જોવા આવ્યા હતા. ભાઈને રમતો નિહાળીને તેઓ ખુશ હતા.

ગઈ કાલે સવારે ૧૦ વાગ્યાથી ક્રિકેટચાહકોએ મૅચ જોવા માટે સ્ટેડિયમ પર લાઇનો લગાવી દીધી હતી અને અલગ-અલગ વેશભૂષામાં મનમોહક લુકમાં ચાહકો આવ્યા હતા.

સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં મૅચ જોવા આવેલી ગર્લ્સમાં વિરાટ કોહલી માટે ભારે અટ્રૅક્શન જણાતું હતું અને મૅચ અગાઉ ગર્લ્સે વિશ્વાસ વ્યક્ત કર્યો વિરાટ મૅચ જીતીને અમને પણ તેની બર્થ-ડે ગિફ્ટ આપશે.