પાર્થિવ-અક્ષરના જોરે ગુજરાત સેમી ફાઈનલમાં

25 December, 2015 05:43 AM IST  | 

પાર્થિવ-અક્ષરના જોરે ગુજરાત સેમી ફાઈનલમાં


કૅપ્ટન પાર્થિવ પટેલના શાનદાર ૫૭ રન અને અક્ષર પટેલની બે વિકેટ ઉપરાંત તેના નૉટઆઉટ ૩૬ રનને કારણે ગુજરાતે વિદર્ભને બે વિકેટે હરાવીને વિજય હઝારે ટ્રોફીની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કર્ણાટકના અલુરમાં રમાયેલી ક્વૉર્ટર ફાઇનલમાં જીત માટે ૧૯૬ રનનો લક્ષ્યાંક મેળવવા મેદાનમાં ઊતરેલી ગુજરાતની ટીમને ઓપનર પાર્થિવે શાનદાર શરૂઆત કરાવી આપી હતી. જોકે મીડિયમ ફાસ્ટ બોલર રવિકુમાર ઠાકુર અને ઑફ સ્પિનર અક્ષય વખારેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને મૅચને ભારે રોમાંચક બનાવી દીધી હતી. અક્ષર પટેલ અને હર્ષલ પટેલ (નૉટઆઉટ ૧૫ રન) સાથે મળીને ટીમને જીત સુધી લઈ ગયા હતા.

વિદર્ભની ટીમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લઈ ફૈઝ ફઝલ (૫૨) અને જિતેશ શર્મા (૫૧) સાથે મળીને ૯૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. વન-ડાઉન બૅટ્સમૅન ગણેશ સતીશે પણ મહત્વના ૪૭ રન કર્યા હતા. જોકે ત્યાર બાદ કોઈ બૅટ્સમૅન પ્રદર્શન કરી શક્યો નહોતો. નવા બૉલ સાથે જસપ્રિત બુમરાહે ૩૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી. મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા અક્ષર પટેલે બે વિકેટ લીધી હતી. ગુજરાતની ટીમ હવે સેમી ફાઇનલમાં શનિવારે તમિલનાડુ સાથે ટકરાશે. જેણે અન્ય ક્વૉર્ટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશને એક વિકેટે હરાવી હતી.