મુંબઈની ટીમનું સિલેક્શન કરશે અજિત આગરકર

27 May, 2017 07:58 AM IST  | 

મુંબઈની ટીમનું સિલેક્શન કરશે અજિત આગરકર

સુબોધ મયૂરે

ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ પેસબોલર અજિત આગરકર હવે મુંબઈની સિનિયર ટીમનું સિલેક્શન કરશે. મુંબઈ ક્રિકેટ અસોસિએશનની પ્રવીણ આમરેના અધ્યક્ષસ્થાનવાળી ક્રિકેટ ઇમ્પ્રૂવમેન્ટ કમિટીએ સિનિયર સિલેક્શન કમિટીમાં ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કરતાં મુંબઈના ભૂતપૂર્વ મિલિન્દ રેગેના સ્થાને અજિત આગરકરને સિનિયર ટીમના ચીફ સિલેક્ટર બનાવ્યા હતા. સિનિયર સિલેક્શન ટીમ અન્ડર-૨૩ ટીમનું પણ સિલેક્શન કરે છે. રેગેની કમિટીના રવિ ઠક્કર, નિશિત શેટ્ટી અને જતીન પરાંજપેમાંથી ફક્ત પરાંજપેને નવી કમિટીમાં જાળવી રાખવામાં આવ્યો હતો.

નવી જવાબદારી વિશે ભારત વતી ૫૮ ટેસ્ટ અને ૨૮૮ વન-ડે રમનાર આગરકરે ‘મિડે-ડે’ને જણાવ્યું હતું કે ‘આશા રાખીએ છીએ કે એવા ખેલાડીઓ પસંદ કરીએ જે આગળ જતાં નૅશનલ ટીમમાં રમે. સાથોસાથ અમારે મુંબઈને આગામી પાંચથી ૧૦ વર્ષ સુધી રમી મુંબઈને ટોચ પર જાળવી રાખી એવા ખેલાડીઓની શોધ કરવાની છે. મિલિન્દ રેગેએ તેના કાર્યક્રાળ દરમ્યાન ઉત્તમ ફરજ બજાવી છે, પણ ટીમમાં નવો જોશ, ફક્ત ટીમમાં જ નહીં પણ કોચ અને સપોર્ટ સ્ટાફમાં લાવવા બદલાવ લાવવો જરૂરી છે.’