03 May, 2025 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિંક્ય રહાણે
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ફરી રાષ્ટ્રીય ટીમ માટે રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ૩૬ વર્ષનો આ બૅટર છેલ્લે ૨૦૨૩માં ટેસ્ટ મૅચ રમ્યો હતો અને ઑલમોસ્ટ ૭ વર્ષથી લિમિટેડ ઓવરની ક્રિકેટ-ટીમની બહાર છે છતાં તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસીની આશા છોડી નથી.
સ્ટાર સ્પોર્ટ્સ પ્રેસરૂમમાં તેણે કહ્યું હતું કે ‘હું ફરીથી ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માગું છું. મારી ઇચ્છા, ભૂખ, જુસ્સો પહેલાં જેવાં જ છે. હું હજી પણ અગાઉ જેવો જ ફિટ છું.
હું એક સમયે ફક્ત એક જ મૅચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું અને અત્યારે મારું ધ્યાન ફક્ત IPL પર છે. એ પછી જોઉં છું કે ભવિષ્યમાં શું થાય છે. હું ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમી રહ્યો છું અને હાલમાં ખરેખર ક્રિકેટનો આનંદ માણી રહ્યો છું.’
તેણે આગળ કહ્યું કે ‘મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવા કરતાં વધુ મહત્ત્વનું કાંઈ નથી. હું ફરીથી ભારતીય ટીમની જર્સી પહેરવા માગું છું. જ્યારે કોઈ ટુર્નામેન્ટ ચાલુ ન હોય ત્યારે હું દિવસમાં બેથી ત્રણ સત્ર સુધી પ્રૅક્ટિસ કરું છું. મને લાગે છે કે મારા માટે અત્યારે મારી જાતને ફિટ રાખવી ખરેખર મહત્ત્વનું છે. ભારત માટે સારું પ્રદર્શન કરવાની પ્રેરણા પહેલાં જેવી જ રહે છે.’