28 October, 2025 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિંક્ય રહાણે
ભારતની ૨૦૨૪-’૨૫ની ઑસ્ટ્રેલિયાની નિષ્ફળ ટેસ્ટ-ટૂરમાં તેને અવગણવામાં આવ્યો હતો એ બાબતે અજિંક્ય રહાણેએ તાજેતરમાં નિરાશા વ્યક્ત કરી છે. છેલ્લે જુલાઈ ૨૦૨૩માં ભારત માટે ટેસ્ટ-મૅચ રમનાર રહાણે કહે છે, ‘ઉંમર ફક્ત એક સંખ્યા છે. એક પ્લેયર તરીકે જો તમારી પાસે અનુભવ હોય, જો તમે હજી પણ સ્થાનિક ક્રિકેટ રમી રહ્યા છો, જો તમે હજી પણ તમારું શ્રેષ્ઠ આપી રહ્યા છો તો મને લાગે છે કે સિલેક્ટર્સે તમને ધ્યાનમાં લેવા જોઈએ. પ્લેયર્સના ઇરાદા, રેડ બૉલ ક્રિકેટ પ્રત્યેના જુસ્સા અને મેદાન પરની સખત મહેનતને ધ્યાનમાં લેવાં જોઈએ. જો તમે ઑસ્ટ્રેલિયા તરફ નજર કરો તો માઇકલ હસીએ ૩૦ વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું હતું અને રન પણ બનાવ્યા હતા. રેડ બૉલ ક્રિકેટમાં અનુભવ મહત્ત્વનો છે અને મને વ્યક્તિગત રીતે લાગ્યું કે ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયામાં મારી જરૂર હતી એ મારો વ્યક્તિગત અભિપ્રાય છે.’ ૩૭ વર્ષના અજિંક્ય રહાણેએ ૨૦૨૦-’૨૧માં ઑસ્ટ્રેલિયા સામે ૨-૧થી રોમાંચક સિરીઝ-જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અજિંક્ય રહાણેની સદીથી રણજી મૅચમાં મુંબઈની સ્થિતિ મજબૂત
રણજી ટ્રોફીમાં વિજયી શરૂઆત કર્યા બાદ મુંબઈની ટીમ બીજા રાઉન્ડની મૅચમાં મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસની રમતમાં છત્તીસગઢની ટીમે ૬૦.૩ ઓવરમાં ૬ વિકેટે ૧૭૫ રન કર્યા અને તેઓ હજી ૨૪૧ રન પાછળ છે. ૧૪મી ઓવરમાં ૩૮ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવ્યા બાદ અજિંક્ય રહાણેની શાનદાર સદીના આધારે મુંબઈએ ૧૩૩.૩ ઓવરમાં ઑલઆઉટ થઈને ૪૧૬ રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. અજિંક્ય રહાણે ત્રીજા ક્રમે રમીને ૩૦૩ બૉલમાં ૨૧ ફોર મારીને ૧૫૯ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમ્યો હતો.