બંને હાથે બોલિંગ નાંખી શકતો અમદાવાદનો અજબનો સ્પિનર

07 October, 2011 08:02 PM IST  | 

બંને હાથે બોલિંગ નાંખી શકતો અમદાવાદનો અજબનો સ્પિનર

 

 

 

શૈલેશ નાયક

અમદાવાદ, તા. ૭

અમદાવાદના ૨૩ વર્ષના પ્રદીપસિંહ ચંપાવત જેવો ક્રિકેટજગતમાં બીજો ક્રિકેટર શોધવો મુશ્કેલ છે. અમદાવાદની ઍકૅડેમી અને ક્લબટીમ વતી રમતા ચંપાવતે માત્ર બૅટ્સમૅન તરીકે આ ટીમોમાં સ્થાન મેળવ્યું હતું. તેની લેફ્ટ-આર્મ પેસબોલિંગ સારી હોવાથી ક્યારેક તેનો પેસબોલર તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે સમય જતાં પેસબોલિંગનો ઘણોખરો ટચ તેણે ગુમાવી દીધો હતો, પરંતુ તેના લેફ્ટ-આર્મ લેગ સ્પિન એટલા બધા સારા થતા હતા કે તેનો ટીમમાં બૅટ્સમૅન ઉપરાંત સારા લેફ્ટી સ્પિનર તરીકે સમાવેશ કરવામાં આવતો હતો. તેની ઓળખ માત્ર આટલાથી નહોતી અટકી ગઈ. તે જમણા હાથે પણ સારા ઑફ સ્પિન કરી લાગ્યો હતો એટલે તેનો ઑફ સ્પિનર તરીકે પણ ઉપયોગ થવા લાગ્યો હતો.

આ અનોખો ઑલરાઉન્ડર હવે તેની ટીમને બૅટ્સમૅન તરીકે તેમ જ ખાસ કરીને લેફ્ટી અને રાઇટી સ્પિનર તરીકે કામમાં આવે છે. ફીલ્ડિંગમાં તે જમણા હાથે બૉલ થ્રો કરે છે અને તેની ફીલ્ડિંગ પણ બહુ સારી છે એટલે એ તેનો ઑર એક પ્લસ-પૉઇન્ટ છે.
ટૂંકમાં, ચંપાવતની ઓળખ આ પ્રમાણે છે: વનડાઉનનો અગ્રેસિવ રાઇટી બૅટ્સમૅન, લેફ્ટી સ્પિનર, રાઇટી ઑફ સ્પિનર અને ચપળ ફીલ્ડર તેમ જ ટીમને જરૂર હોય ત્યારે વિકેટકીપર પણ.

કોચે કરામત બરાબર પારખી લીધી

ચંપાવત મૂળ રાઇટી છે અને દિવસ દરમ્યાન મોટા ભાગનાં રૂટીન કાયોર્ જમણા હાથે કરે છે. તે ડાબા અને જમણા બન્ને હાથના કાંડાની અને આંગળીઓની કરામતથી બૅટ્સમેનોને મૂંઝવી દે છે. જોકે લેફ્ટી સ્પિન બોલિંગ તેનું મુખ્ય શjા છે. તેણે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં જમણા હાથે સ્પિન બૉલ ફેંકવાની શરૂઆત ગયા વર્ષે કરી હતી. ફીલ્ડિંગમાં હું પહેલેથી જમણા હાથે બૉલ થ્રો કરું છું. હું લેફ્ટી સ્પિનર હોવા છતાં જમણા હાથે બૉલ બહુ સારી રીતે ફેંકી શકું છું એ જોઈને મારા કોચ કલ્પેશ પાટડીવાલાએ એક દિવસ મને રાઇટ-આર્મ ઑફ સ્પિનની કોશિશ કરવા કહ્યું હતું. એમાં તેમને મારા હાથની મૂવમેન્ટ બહુ સારી લાગી હતી એટલે મને કહી દીધું કે તું જમણા હાથે ઑફ સ્પિન ફેંકવાની શરૂઆત કરી જ દે.’

કોચ પાટડીવાલાની સલાહ માનીને ચંપાવતે જમણા હાથે બોલિંગની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી અને ત્રણ મહિનામાં તે રાઇટી ઑફ સ્પિનર બની ગયો હતો.

જેવો બૅટ્સમૅન એવી તેને ટ્રીટમેન્ટ

ચંપાવત બૅટ્સમૅનને જોઈને પોતે કયા હાથે બોલિંગ કરવી એ નક્કી કરે છે. એ વિશે ચંપાવતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે રાઇટી બૅટ્સમૅન સામે લેફ્ટ-હૅન્ડ બોલિંગ કરવામાં આવે તો બૅટ્સમૅન મુસીબતમાં આવવાની સંભાવના વધી જાય છે. એ જ રીતે લેફ્ટી બૅટ્સમૅનને રાઇટ-હૅન્ડ બોલિંગ ઓછી ફાવે છે. એ જોતાં નાની ટુર્નામેન્ટોમાં હું બૅટ્સમૅન રાઇટી છે કે લેફ્ટી એ જોઈને મારે કયા હાથે બૉલ ફેંકવો એ નક્કી કરું છું અને હાથ બદલાવા વિશે અમ્પાયરની પરમિશન લઈને બોલિંગ કરું છું. બન્ને હાથે વૅરિએશન્સવાળી બોલિંગ કરવાથી બૅટ્સમૅનોને મુશ્કેલીમાં મૂકી શકાય એવું મારું માનવું છે.’

સર્વગુણ સંપન્ન ઑલરાઉન્ડર

ચંપાવત થોડા દિવસથી એમ. પાવર ક્રિકેટ ઍકૅડેમીની જે ટીમ વતી રમે છે એ ટીમના કોચ સુમેર સિંહના જણાવ્યા મુજબ ‘બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગ, વિકેટકીપિંગ અને થ્રોઇંગ-આ પાંચ ગુણો ભાગ્યે જ કોઈ પ્લેયરમાં હોય અને ચંપાવત એમાંનો એક છે. એક વખત મૅચ પહેલાં અમારો રેગ્યુલર લેફ્ટી સ્પિનર નહોતો આવ્યો ત્યારે ચંપાવતે લેફ્ટી સ્પિનની જવાબદારી ઉપાડી લીધી હતી. તેને બન્ને હાથે બહુ સારી રીતે બોલિંગ કરતો જોઈને હું તો ચોંકી જ ગયો હતો.’

સચિન હીરો અને સ્વૉન-વેટોરી બેસ્ટ

ચંપાવત થોડા દિવસથી અમદાવાદમાં ગુજરાતની નામાંકિત ગોરધનદાસ કપ નામની ટુર્નામેન્ટમાં એમ. પાવર ક્રિકેટ ઍકૅડેમીની ટીમ વતી રમે છે. તે સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સ ક્લબની ટીમ વતી પણ રમી ચૂક્યો છે. પાર્થિવ પટેલ સહિત ગુજરાતના ઘણા પ્લેયરો ગોરધનદાસ કપમાં રમી ચૂક્યા છે. ચંપાવત અગાઉ ગુજરાતના જ નવદીપ કપમાં તેમ જ અન્ડર-૧૯ સ્કૂલ મૅચોમાં પણ રમ્યો છે.

સચિન તેન્ડુલકર અમદાવાદી ઑલરાઉન્ડર ચંપાવતનો હીરો છે. વર્તમાન પ્લેયરોમાંથી રાઇટ-આર્મ સ્પિનર તરીકે ચંપાવતની દૃષ્ટિએ ઇંગ્લૅન્ડનો ગ્રેમ સ્વૉન અને લેફ્ટ-આર્મ સ્પિનર તરીકે ન્યુ ઝીલૅન્ડનો ડેનિયલ વેટોરી શ્રેષ્ઠ છે.

ચંપાવતના પિતા સબ-ઇન્સ્પેક્ટર

અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં રહેતો અને જે. જી. કૉલેજ ઑફ કૉમર્સમાં એમ.કોમ. પાર્ટ-૧નો અભ્યાસ કરતો પ્રદીપસિંહ ચંપાવત મૂળ રાજસ્થાનના જોધપુરનો છે. દરબાર સમુદાયના આ અનોખા પ્લેયરના પિતા વિક્રમસિંહ ચંપાવત ગુજરાત પોલીસ ખાતામાં સબ-ઇન્સ્પેક્ટર છે. તેમણે ‘મિડ-ડે’ સાથે પુત્ર વિશેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મારો દીકરો ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં દેશનું નામ રોશન કરે એવી મારી ખ્વાહિશ છે. હું તો તેની કારકર્દિીના ઘડતર માટે બહુ સમય નથી આપી શકતો, પરંતુ મને ખાતરી છે કે તે ખૂબ મહેનતુ હોવાથી સફળતાની સીડી ચડતો જ જશે.’