ચોથી ટેસ્ટની પિચ પણ સ્પિનરો માટે મદદગાર હશે: અજિંક્ય રહાણે

03 March, 2021 10:23 AM IST  |  Ahmedabad | Agency

ચોથી ટેસ્ટની પિચ પણ સ્પિનરો માટે મદદગાર હશે: અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

ટીમ ઇન્ડિયાના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણેએ ગઈ કાલે એક વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી હતી જેમાં તેણે સીધેસીધી વાત કરતાં અમદાવાદની સ્પિનિંગ-ફ્રેન્ડ્લી વિકેટને પોતાનો ટેકો આપ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ચોથી ટેસ્ટ મૅચની પિચ પણ છેલ્લી બે ટેસ્ટ મૅચ જેવી જ સ્પિનરોને મદદગાર રહી શકે છે. આ ઉપરાંત જ્યારે ભારતીય ટીમ વિદેશ ટૂર પર જાય છે ત્યારે ત્યાં મળતી ભેજવાળી પિચની તેમણે ક્યારેય ફરિયાદ નથી કરી.

ચોથી ટેસ્ટ મૅચની પિચ વિશે પોતાના વિચાર જણાવતાં રહાણેએ કહ્યું કે ‘મારા ખ્યાલથી ચોથી ટેસ્ટ મૅચની પિચ ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મૅચ જેવી સ્પિનિંગ-ફ્રેન્ડ્લી હશે. હા, પિન્ક બૉલ ટેસ્ટ થોડી અલગ હતી અને એ રેડ બૉલની સરખામણીમાં ધાર્યા કરતાં બહુ વહેલી પતી ગઈ હતી. ચોથી ટેસ્ટની પિચ છેલ્લી બે ટેસ્ટ મૅચ જેવી હોઈ શકે છે.’

ભારતની પિચને છેલ્લા કેટલાક દિવસથી કેટલાક ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર્સ વગોવી રહ્યા છે એ વિશે પોતાના વિચાર જણાવતાં રહાણેએ કહ્યું કે ‘લોકોને જે કહેવું હોય એ કહે. જ્યારે અમે વિદેશ જઈએ છીએ ત્યારે કોઈ ફાસ્ટ પિચની વાત નથી કરતું, પણ તેઓ હંમેશાં ભારતીય બૅટ્સમેનોની ટેક્નિકની વાત કરે છે. મને નથી લાગતું કે આપણે તેમની વાતને સિરિયસલી લેવી જોઈએ. અમે જ્યારે વિદેશનો પ્રવાસ કરીએ છીએ ત્યારે પહેલા દિવસે ભેજવાળી વિકેટ મળે છે અને જેમ-જેમ એ વિકેટ પર ઘાસ આવતું જાય છે એમ પિચ અલગ રીતે વર્તવા માંડે છે અને ક્યારેક ઘાતક રૂપ લઈ લે છે, પણ અમે ક્યારેય એ વાતની ફરિયાદ નથી કરી કે નથી એ વિશે વાત કરી. જ્યારે તમે સ્પિનિંગ વિકેટ પર રમો છો ત્યારે લાઇન પર રમવું હિતાવહ છે. જો બૉલ વધારે સ્પિન થાય તો વધારે કંઈ વિચારવાનું રહેતું જ નથી. મારા મતે ચોથી ટેસ્ટમાં પિચ પહેલાં જેવી જ રહેશે, પણ એ કેવું પ્રદર્શન કરશે એ જોવા જેવું રહેશે.’

cricket news sports news ajinkya rahane