નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અનપ્લેયેબલ હતી : ધીરજ પરસાણા

03 March, 2021 01:37 PM IST  |  Ahmedabad | Harit N Joshi

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અનપ્લેયેબલ હતી : ધીરજ પરસાણા

ધીરજ પરસાણા

આવતી કાલથી ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચ શરૂ થઈ રહી છે. આ ચોથી મૅચમાં પિચ કેવું પ્રદર્શન કરશે એના પર સૌકોઈની નજર છે. એવામાં મોટેરા ગ્રાઉન્ડના પિચ ક્યુરેટર તરીકે ૧૯૮૨થી ૨૦૧૮ એમ કુલ ૩૬ વર્ષ સુધી કામ કરનાર ધીરજ પરસાણાએ ‘મિડ-ડે’ સાથે પિચ વિશે વાત કરી હતી, જેમાં તેમણે પિચને ખરાબ ગણાવી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પિન્ક બૉલ ટેસ્ટ ૮૪૨ બૉલમાં પૂરી થઈ ગઈ હતી. આ મૅચ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ધીરજ પરસાણાએ કહ્યું કે ‘એ ખરાબ પિચ હતી. એમાં બીજી કોઈ દલીલ થઈ ન શકે. એક આદર્શ પિચ એને કહેવાય જેના પર ત્રણથી પાંચ દિવસ સુધી મૅચ ચાલે. જો હું ત્યાંનો ક્યુરેટર હોત તો ભારતીય ટીમને ઘરઆંગણાનો લાભ આપત, પણ સાથે એ વાતનું પણ ધ્યાન રાખત કે મૅચ કમસે કમ ત્રણ-ચાર દિવસ સુધી ચાલે. એ પિચ જોખમી નહોતી, પણ હા, બૉલ ભયાનક રીતે ટર્ન લઈ રહ્યા હતા અને એમાં થોડો બાઉન્સ પણ જોવા મળતો હતો. માટે તમે એ પિચને જોખમી ન કહી શકો, કેમ કે એમાં કોઈ એવો ઘાતક બાઉન્સ નહોતો જેનાથી ખેલાડીને ઈજા પહોંચે.’

૧૯૮૩માં ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે જ્યારે મોટેરામાં પહેલી ટેસ્ટ મૅચ રમાઈ હતી ત્યારે પણ ધીરજે પિચ-ક્યુરેટર તરીકે ફરજ બજાવી હતી. જોકે તેમણે આટલાં વર્ષ અહીં કામ કર્યું હોવા છતાં નવા સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ નહોતું મ‍ળ્યું, જેના માટે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. પિન્ક બૉલ ટેસ્ટમાં મોટા ભાગે સ્પિનરો વિકેટ લેવામાં સફળ રહ્યા એ વિશે વાત કરતાં ધીરજ પરસાણાએ કહ્યું કે ‘મારા ખ્યાલથી એવું થવાનું કારણ પિન્ક બૉલ પરની ચમક હતી. પિચ પર પણ કેટલીક શાઇન દેખાતી હતી. સુનીલ ગાવસકરે પણ કૉમેન્ટરી દરમ્યાન જે ટિપ્પણી કરી હતી એની મને નવાઈ લાગી હતી. તેમણે પિચનાં વખાણ કર્યાં એનો અર્થ એ થાય છે કે ટેસ્ટ મૅચ બે દિવસમાં પતી જાય એ વાતનો તેમને કોઈ વાંધો નથી. પહેલાં આ વાત જરાય સ્વીકાર્ય નહોતી, પણ છેલ્લાં કેટલાંક વર્ષથી ટ્રેન્ડ બદલાયો છે.’

motera stadium cricket news sports news harit n joshi narendra modi stadium