અમદાવાદના સ્ટેડિયમમાં એન્ટ્રીમાં અરાજકતા

29 December, 2012 07:41 AM IST  | 

અમદાવાદના સ્ટેડિયમમાં એન્ટ્રીમાં અરાજકતા



અમદાવાદ: ગઈ કાલે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી વ્૨૦ મૅચ જોવા માટે ક્રિકેટચાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બન્ને ટીમ સ્ટેડિયમમાં આવી ત્યારે પ્રેક્ષકો માટે એન્ટ્રી થોડો સમય બંધ કરવામાં આવ્યા પછી એન્ટ્રી-ગેટ ખોલતાં ભારે ભીડને પગલે ધક્કામુક્કી થઈ હતી. લાઇન માટે લગાવેલા વાંસડા પણ તૂટી ગયા હતા અને ભીડ બેકાબૂ બનતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મૅચ સાંજે પાંચ વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યાથી પ્રેક્ષકોનો ધસારો શરૂ થઈ ગયો હતો અને સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે ગેટની બન્ને તરફ લાંબી લાઇન લાગી ગઈ હતી. બપોરે ત્રણ વાગ્યે બન્ને ટીમ સ્ટેડિયમ પર આવી ત્યારે સલામતીનાં કારણોસર પોલીસે પ્રેક્ષકો માટે પ્રવેશ બંધ કરાવ્યો હતો, જેને કારણે ગેટ પાસે ભીડ વધી ગઈ હતી. બન્ને ટીમની એન્ટ્રી બાદ પ્રેક્ષકોને એન્ટ્રી આપવામાં આવી ત્યારે એટલોબધો ધસારો થયો કે એ કાબૂમાં લેવો ભારે પડી ગયો હતો. ત્યારે ધક્કામુક્કી થવાથી મહિલાઓ અને બાળકો ભીડમાં પિસાઈ ગયાં હતાં. બેકાબૂ ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કયોર્ હતો અને મહિલાઓ તથા બાળકોને કૉમન લાઇનથી અલગથી એન્ટ્રી અપાવી હતી.

આવી જ પરિસ્થિતિ સાંજે ચાર વાગ્યાથી પોણાપાંચ વાગ્યાના સમયગાળામાં બની હતી. સ્ટેડિયમમાં પ્રવેશ માટે ફોર-વ્હીલરમાં અને ટૂ-વ્હીલર પર તથા ચાલીને આવતા પ્રેક્ષકોનો ધસારો વધી જતાં એને કન્ટ્રોલ કરવો કાબૂ બહાર જતો દેખાયો હતો અને બ્લૅક કૅટ કમાન્ડોને પણ ભીડને કાબૂમાં રાખવા તહેનાત કરવા પડ્યા હતા.

સ્ટેડિયમમાં શરૂઆતમાં પોલીસ દરેક વેહિકલને ચેક કરીને જવા દેતી હતી, પરંતુ ધસારો વધી જતાં પછી માત્ર ટિકિટ જોઈને પ્રવેશ આપવામાં આવ્યો હતો.