અમદાવાદના ફૅન્સે સચિનને મિસ કર્યો

29 December, 2012 07:42 AM IST  | 

અમદાવાદના ફૅન્સે સચિનને મિસ કર્યો



અમદાવાદ: યંગસ્ટર્સમાં ખાસ કરીને યુવતીઓ ‘સચિન વી મિસ યુ’નાં બૅનરો સાથે સ્ટેડિયમમાં આવી હતી અને તેની રમતને યાદ કરતી હતી.

ગઈ કાલની મૅચમાં ધોની, યુવરાજ અને કોહલી સહિતના સ્ટાર બૅટ્સમેનો હતા; પણ તેમના માટે બૅનરો જોવા નહોતાં મળ્યાં, પરંતુ સચિન ટીમમાં ન હોવા છતાં તેના ફોટો સાથેનાં પોસ્ટરો સાથે કેટલાય ફૅન્સ સ્ટેડિયમમાં આવ્યા હતા. સચિનની ફૅન્સ એવી યુવતીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ભલે આ સ્ટેડિયમ પર સચિનની બૅટિંગ જોવા નહીં મળે, પણ તેણે અહીં રમેલી મૅચો અમે નહીં ભૂલીએ. એટલે જ આજે અમે હવે સચિનને મિસ કરી રહ્યા છીએ.’

સ્ટેડિયમમાં આજે કોમી એકતાનાં દર્શન થયાં હતાં. અમદાવાદના કેટલાય ખેલદિલ પ્રેક્ષકો પાકિસ્તાનનો ધ્વજ ચહેરા પર ચીતરાવીને સ્ટેડિયમમાં આવ્યા હતા અને પાકિસ્તાની ક્રિકેટરોને પ્રોત્સાહિત કરતા હતા. સ્ટેડિયમમાં બાળકો પણ એક તરફ ભારતના ધ્વજના ડ્રેસમાં અને બીજી તરફ પાકિસ્તાનના ધ્વજના ડ્રેસમાં મૅચ જોવા આવ્યાં હતાં.