વિરાટની વિદાય બાદ ઇંટની દીવાલ પુજારા હતો મારો ટાર્ગેટ: કમિન્સ

12 February, 2021 12:23 PM IST  |  Melbourne | Agency

વિરાટની વિદાય બાદ ઇંટની દીવાલ પુજારા હતો મારો ટાર્ગેટ: કમિન્સ

પુજારા

ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પહેલી ટેસ્ટ બાદ વિરાટ કોહલીની વિદાય બાદ ચેતેશ્વર પુજારા કાંગારૂ ટીમનો મુખ્ય ટાર્ગેટ બની ગયો હતો. ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના વાઇસ કૅપ્ટન પૅટ કમિન્સે હવે આ બાબતે ખુલાસો કર્યો છે કે વિરાટની ગેરહાજરીમાં તેના નિશાના પર ચેતેશ્વર પુજારા હતો અને તેણે પુજારાને ‘ઇંટની દીવાલ’ કહ્યો હતો. કમિન્સને લાગે છે કે પુજારાનો લડાયક પર્ફોર્મન્સ આ સિરીઝમાં નિર્ણાયક સાબિત થયો હતો અને ભારતે સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી.

આ સિરીઝમાં પુજારા અને કમિન્સની ટક્કર મુખ્ય આકર્ષણ બની રહી હતી. ૮ ઇનિંગ્સમાં કમિન્સે પુજારાને પાંચ વખત આઉટ કર્યો હતો. જોકે પુજારા પણ ઑસ્ટ્રેલિયન બોલરોના ૯૨૮ બૉલ સામે અડગ ઊભો રહ્યો હતો અને તેણે કુલ ૨૭૧ રન બનાવ્યા હતા.

કમિન્સે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારી નજરમાં પુજારા ‘ઇંટની દીવાલ’ હતો. વિરાટની વિદાય બાદ અમારે માટે તેની જ વિકેટ મુખ્ય હતી. એક વાર તેને આઉટ કરી દઈશું પછી મૅચનાં ત્રણેય પરિણામ શક્ય બનશે. બે વર્ષ પહેલાં રમાયેલી સિરીઝમાં પણ તે નિર્ણાયક સાબિત થયો હતો. હું પણ એ સિરીઝમાં રમ્યો હતો એટલે બરાબર જાણતો હતો કે તે ભારતીય મિડલ ઑર્ડરની મજબૂત દીવાલ છે.

કમિન્સે વધુમાં કહ્યું કે ‘સિડનીની ડ્રૉ ટેસ્ટમાં અને ગૅબાની જીતમાં પુજારાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સિરીઝમાં તેની અનોખી છાપ છોડી હતી. પહેલી બે ટેસ્ટ બાદ મને લાગતું હતું કે તેની સ્ટાઇલમાં બદલાવ કરશ અને બોલરો પર દબાણ લાવવાની કોશિશ કરશે, પણ તેણે અલગ જ કર્યું. તે એકદમ સ્પષ્ટ હતો અને તેની રમત વિશે બરાબર જાણતો હતો કે જો હું ક્રીઝ પર અડીખમ ઊભો રહીશ તો રન એની મેળે બનતા રહેશે.’

છેલ્લે કમિન્સે કહ્યું હતું કે એક બોલર માટે પુજારા સામે બોલિંગ કરવી મુશ્કેલ હોય છે, કેમ કે તે કોઈ બોલરથી ગભરાતો નથી. પુજારાએ છેલ્લી બ્રિસ્બેન ટેસ્ટમાં અમારા બધા જ પ્રહાર સામે અડીખમ રહીને ૨૧૧ બૉલમાં ૫૬ રન સાથે ભારતની ઐતિહાસિક જીતનો પાયો નાખ્યો હતો.’

cheteshwar pujara virat kohli australia