હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં ગાંગુલીએ કહ્યું... હું એકદમ સ્વસ્થ છું

08 January, 2021 02:44 PM IST  |  Kolkata | Agencies

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં ગાંગુલીએ કહ્યું... હું એકદમ સ્વસ્થ છું

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં ગાંગુલીએ કહ્યું... હું એકદમ સ્વસ્થ છું

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીને હળવા હાર્ટ-અટૅક બાદ ૬ દિવસ સારવાર કર્યાના અંતે ગઈ કાલે કલકત્તાની વુડલૅન્ડ્સ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ બાદ ગાંગુલીએ કહ્યું કે ‘હું હવે એકદમ સ્વસ્થ છું. મારી ટ્રીટમેન્ટ અને સારસંભાળ લેવા માટે હું દરેક ડૉક્ટર્સ અને નર્સનો આભાર માનું છું.’
ડિસ્ચાર્જ સમયે હાજર રહેલા મીડિયાના પ્રશ્નના જવાબ આપવાનું જોકે ગાંગુલીએ ટાળ્યું હતું.
બીજી જાન્યુઆરીએ ગાંગુલીને હાર્ટ-અટૅકનો હળવો હુમલો આવતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દાદાની એક ઝલક મેળવવા માટે હૉસ્પિટલ અને તેમના નિવાસસ્થાન નજીક ચાહકોની ભીડ એકઠી થઈ હતી.
હૉસ્પિટલે જણાવ્યા પ્રમાણે દાદાએ આવતાં બે અઠવાડિયાં નિયમોનું કડક પાલન કરવું પડશે. આ સમયગાળામાં અન્ય કેટલીક મેડિકલ-ટેસ્ટ પણ કરવામાં આવશે.

થૅન્ક યુ જૉયદીપ

ડિસ્ચાર્જ સમયે ગાંગુલીએ તેના નાનપણના મિત્ર જૉયદીપ મુખરજીનો ખાસ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેં મારા માટે જે કર્યું છે એ હું જિંદગીભર નહીં ભૂલું. ગાંગુલીએ તેના આ મિત્ર જૉયદીપનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં શૅર કરીને પણ આભાર માનતાં લખ્યું હતું, ‘છેલ્લા પાંચ દિવસમાં તેં મારા માટે જે કર્યું જેને હું જિંદગીભર યાદ રાખીશ. તને હું ૪૦ વર્ષથી ઓળખું છું અને તું ફૅમિલી કરતાં પણ વિશેષ છે.’
જૉયદીપ હૉસ્પિટલમાં દાખલ કરવાથી લઈને ડિસ્ચાર્જ સુધી તેની સાથે જ રહ્યો હતો અને બનતી બધી મદદ કરી હતી. જૉયદીપ બંગાલનો ભૂતપૂર્વ ક્રિકેટર છે અને હાલમાં બંગાલ ક્રિકેટ અસોસિએશનમાં ક્રિકેટ ડિરેક્ટર છે અને તે કૉમેન્ટરી પણ કરે છે.

cricket news sports news sports sourav ganguly