રનઆઉટની ભૂલ બાદ પરાગનો પિત્તો ગયો, ટ્રોલ થયો

26 May, 2022 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંગળવારે કલકત્તામાં રાજસ્થાન રૉયલ્સની ટીમે શૉકિંગ હાર જોઈ એ પહેલાં મૅચ દરમ્યાન એના ખેલાડી રિયાન પરાગને લગતી બે વિચિત્ર ઘટના જોવા મળી હતી.

રનઆઉટની ભૂલ બાદ પરાગનો પિત્તો ગયો, ટ્રોલ થયો

મંગળવારે કલકત્તામાં રાજસ્થાન રૉયલ્સની ટીમે શૉકિંગ હાર જોઈ એ પહેલાં મૅચ દરમ્યાન એના ખેલાડી રિયાન પરાગને લગતી બે વિચિત્ર ઘટના જોવા મળી હતી. રાજસ્થાનની ઇનિંગ્સમાં છેલ્લી ઓવરમાં બટલર રનઆઉટ થયા પછી અશ્વિન બૅટિંગમાં આવ્યો કે તેણે રમેલા પહેલા જ બૉલમાં પરાગ રનઆઉટ થયો હતો. યશ દયાલે અશ્વિનને ફેંકેલો સ્લો બૉલ ખરેખર તો વાઇડ હતો, પરંતુ પરાગ રન લેવા દોડી આવ્યો હતો. જોકે અશ્વિનને રન લેવામાં કોઈ રસ નહોતો. બન્ને જણ એક છેડે ભેગા થઈ ગયા હતા. પરાગે અશ્વિન તરફ જોઈને ઇશારામાં પૂછ્યું કે કેમ તે રન લેવા ક્રીઝની બહાર ન આવ્યો? અશ્વિને ગુસ્સામાં પરાગ તરફ જોયું અને પાછા જતી વખતે પરાગે અશ્વિન તરફ ક્રોધ બતાવ્યો હતો. આ વર્તન બદલ પરાગ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયો હતો.


ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સ દરમ્યાન એક તબક્કે જ્યારે ડેવિડ મિલરે બૉલ્ટના યૉર્કરમાં બૉલને લૉન્ગ-ઑન બાઉન્ડરી તરફ મોકલ્યો ત્યારે પરાગે ડાઇવ મારીને બૉલ રોક્યો હતો. પળવારમાં દેવદત્ત પડિક્કલ ડીપ મિડ-વિકેટ પરથી દોડી આવ્યો અને બૉલ ઊંચકીને વિકેટકીપર સૅમસન તરફ ફેંક્યો હતો. પડિક્કલ બૅક-અપ માટે મોડો આવ્યો એવા ભાવ સાથે પરાગે તેના તરફ જોઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જોકે આ બન્ને કિસ્સામાંના વર્તન બદલ પરાગ ગઈ કાલે મીડિયામાં ટ્રોલ થયો હતો. કેટલાકે પરાગને વિરાટ કોહલી જેવા ઍટિટ્યુડ છોડવાની સલાહ આપી હતી.

cricket news ipl 2022