13 November, 2024 11:28 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે જીતની ઉજવણી કરતી અફઘાનિસ્તાનની ટીમ.
UAEમાં બંગલાદેશ સામે છેલ્લી વન-ડેમાં પાંચ વિકેટે જીત મેળવી અફઘાનિસ્તાન ટીમે ૨-૧થી ત્રણ મૅચની વન-ડે સિરીઝ પોતાને નામે કરી છે. બંગલાદેશે ૮ વિકેટે ૨૪૪ રન ફટકાર્યા હતા. ૨૪૫ રનના ટાર્ગેટને અફઘાનિસ્તાને પાંચ વિકેટ ગુમાવીને ૪૮.૨ ઓવરમાં ચેઝ કરી લીધો હતો. બન્ને ટીમ વચ્ચે આ ચોથી દ્વિપક્ષીય વન-ડે સિરીઝ હતી. બન્ને ટીમે બે-બે સિરીઝ ૨-૧નાં એકસરખા રિઝલ્ટ સાથે જ જીતી છે.
માર્ચમાં આયરલૅન્ડ સામે ૨-૦થી અને સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે ૨-૧થી વન-ડે સિરીઝ જીત્યા બાદ અફઘાનિસ્તાનની આ વર્ષે સતત ત્રીજી વન-ડે સિરીઝ જીત થઈ છે. પહેલી વાર ચૅમ્પિયન્સ ટ્રોફી રમતાં પહેલાં અફઘાનિસ્તાનની ટીમ માટે આ રિઝલ્ટ મનોબળ વધારવાનું કામ કરશે.
ત્રીજી મૅચમાં રહેમાનુલ્લા ગુરબાઝે ૧૨૦ બૉલમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારી ૧૦૧ રનની ઇનિંગ્સ રમીને ધમાલ મચાવી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં વન-ડે ડેબ્યુ કરનાર ગુરબાઝ અફઘાનિસ્તાન માટે સૌથી વધારે વન-ડે સેન્ચુરી ફટકારનાર બૅટર છે પણ આઠમી વન-ડે સેન્ચુરી ફટકારીને તેણે એક રેકૉર્ડ લિસ્ટમાં વિરાટ કોહલીને પછાડીને સચિન તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરી છે.
બાવીસ વર્ષની ઉંમર સુધીમાં સૌથી વધુ ૮ વન-ડે સેન્ચુરી ફટકારીને તેણે સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડીકૉક અને ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરી છે. જોકે આ લિસ્ટમાં બાવીસ વર્ષના રહેમાનુલ્લા ગુરબાઝે ૪૬ ઇનિંગ્સમાં સૌથી ફાસ્ટેસ્ટ ૮ વન-ડે સેન્ચુરી ફટકારી છે. ડીકૉકે બાવન ઇનિંગ્સ અને સચિને ૧૧૩ ઇનિંગ્સમાં આ કમાલ કરી હતી. વિરાટ કોહલીએ બાવીસ વર્ષની ઉંમર સુધીમાં ૬૬ ઇનિંગ્સમાં સાત વન-ડે સેન્ચુરી ફટકારી હતી.