કોહલી જે રીતે વાઇટ બૉલ ગેમ ફિનિશ કરે એ જોઈને તેનો પ્રશંસક છું: સ્મિથ

02 June, 2020 09:42 AM IST  |  New Delhi | Agencies

કોહલી જે રીતે વાઇટ બૉલ ગેમ ફિનિશ કરે એ જોઈને તેનો પ્રશંસક છું: સ્મિથ

સ્ટીવન સ્મિથ

સ્ટીવન સ્મિથે તાજેતરમાં જણાવ્યું કે જે પ્રમાણે વિરાટ કોહલી વાઇટ બૉલ ગેમ ફિનિશ કરે છે એ જોતાં હું તેનો ઘણો મોટો પ્રશંસક છું. આઇસીસી ટેસ્ટ રૅન્કિંગ્સમાં આ બન્ને પ્લેયર વચ્ચે હંમેશાં પહેલા અને બીજા ક્રમ માટે સ્પર્ધા ચાલતી હોય છે. વિરાટ વિશે વાત કરતાં સ્મિથે કહ્યું કે ‘હું વિરાટ કોહલીનો પ્રશંસક છું. તે એક જબરદસ્ત પ્લેયર છે. તમે તેના રેકૉર્ડ જુઓ, એ કાબિલે તારીફ છે. ભારતીય ક્રિકેટ માટે તેણે ઘણું સારું કામ કર્યું છે. તમે જાણો છો તે કેટલું સારું રમે છે અને એને લીધે ભારતીય ક્રિકેટને કેટલો લાભ થયો છે. તે સતત પોતાને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયાસ કરતો હોય છે. સમય જતાં તેની બૉડી પર તેની ફિટનેસ જોવા મળે છે. તે જે પ્રમાણે વાઇટ બૉલ ગેમ ફિનિશ કરે છે એ જોતાં હું તેનો મોટો પ્રશંસક બની જાઉં છું. વન-ડેમાં તેનો ઍવરેજ વિનિંગ ચેઝ જોશો તો ખબર પડશે કે તે કેટલો અદ્ભુત પ્લેયર છે.’

સ્મિથને લાગે છે કે બૉલ પર થૂંક લગાડવાના પ્રતિબંધને લીધે બોલરોને નુકસાન થશે

ઑસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવન સ્મિથને લાગે છે કે બૉલ પર થૂંક લગાડવાના પ્રતિબંધને લીધે બોલરોને નુકસાન થશે. છેલ્લા ઘણા દિવસથી આ વિષય ક્રિકેટ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પ્રતિબંધ ઉપરાંત અનેક નવા નિયમોની ગાઇડ લાઇન પણ જાહેર કરવામાં આવી છે. પોતાનો મત આપતા સ્મિથે કહ્યું કે ‘મારા ખ્યાલથી આ રોચક રહેશે કેમ કે હજુ વધારે બદલાવ થઈ શકે છે. જો તમે બૉલને ચમકાવવા એના પર થૂંક નહીં લગાડો તો બોલરોને સૌથી વધારે નુકસાન થશે. ભલે હું એક બેટ્સમેન છું પણ હું પોતે બેટ અને બૉલ વચ્ચે સારી એવી જુગલબંદી જોવા માંગુ છું અને ગેમ માટે એ જ મહત્વનું પણ છે. આપણે કંઈક નવા વિકલ્પ સાથે આવવું પડશે કેમ કે બૉલ જો કઈં કરશે નહીં તો ગેમની મજા જ નહીં આવે. આ રીતે તો સ્વિંગ બોલેરો ગેમમાંથી બહાર થઈ જશે.’

cricket news sports news steve smith virat kohli