પાર્થિવ બહાર, સહાની વાપસી

01 February, 2017 05:21 AM IST  | 

પાર્થિવ બહાર, સહાની વાપસી



બંગલા દેશ સામે ૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર થઈ છે. વિરાટ કોહલીની કૅપ્ટન્સીવાળી આ ટીમમાં ઓપનર અભિનવ મુકુંદે પાંચ વર્ષ બાદ ટીમમાં વાપસી કરી છે. ટીમમાં વિકેટકીપર તરીકે વૃદ્ધિમાન સહા છે. જોકે ઇંગ્લૅન્ડ સામે શાનદાર પ્રદર્શન કરનાર પાર્થિવ પટેલને એમાં સ્થાન નથી મળ્યું. પહેલાં એવી શક્યતા હતી કે સહાની સાથે પાર્થિવને પણ ટીમમાં સ્થાન મળશે. સહા ઈજાને કારણે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં નહોતો રમી શક્યો.

ટીમમાં તામિલનાડુના લેફ્ટી ઓપનર અભિનવ મુકુંદની પાંચ વર્ષ બાદ વાપસી થઈ છે. મુકુંદ છેલ્લી વખત ૨૦૧૧માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ રમ્યો હતો. મુકુંદે અત્યાર સુધી પાંચ ટેસ્ટમાં કુલ ૨૧૧ રન બનાવ્યા છે જેમાં એક હાફ સેન્ચુરી છે. તેણે જૂન ૨૦૧૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યુ કર્યું હતું. અન્ય ઈજાગ્રસ્ત ખેલાડી જયંત યાદવ પણ ફિટ થઈ ગયો છે. તેનો પણ ટીમમાં સમાવેશ થયો છે. હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. પંડ્યા ઈજાને કારણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં રમી શક્યો નહોતો. ટીમમાં અજિંક્ય રહાણે પણ છે જે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ઈજા પામ્યો હતો.

ભારતીય ટેસ્ટ ટીમ : વિરાટ કોહલી (કૅપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, કરુણ નાયર, રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, જયંત યાદવ, ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા, ભુવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, અભિનવ મુકુંદ અને હાર્દિક પંડ્યા.