01 October, 2023 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોલ્ડ મેડલ દેખાડતા ભારતીય સ્ક્વૉશ ટીમના ખેલાડીઓ સૌરવ ઘોસાળ, અભય સિંહ, મહેશ માનગાંવકર અને હરિન્દર પાલ સંધુ.
અભય સિંહે મહત્ત્વની મૅચમાં પાકિસ્તાનના નૂર ઝમાનને હરાવતાં એશિયન ગેમ્સની સ્ક્વૉશની ટીમ ઇવેન્ટમાં ૨-૧થી જીતીને ગોલ્ડ મેળવ્યો હતો. ભારતીય ટીમ આ વર્ષે સારું પ્રદર્શન કરશે એવી આશા તમામને હતી. સૌરવ ઘોસાળના નેતૃત્વમાં ટીમે મલેશિયા અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમોને હરાવી હતી. જોકે લીગ સ્ટેજમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. એક સમયે સ્કવૉશની રમતમાં પાકિસ્તાનનો ભારે દબદબો પણ હતો. નૂર ઝમાને લીગ મૅચ દરમ્યાન અભય સિંહને એક સપ્તાહ પહેલા હરાવ્યો હોવાથી આ મૅચ પાકિસ્તાન જીતશે એવો તમામને અંદાજ હતો. પાકિસ્તાનના નસીર ઇકબાલ અને ભારતના સૌરવ ઘોસાળે એક-એક મૅચ જીતી હોવાથી આ મૅચ નિર્ણાયક હતી. ચોથી ગેમમાં ઝમાન ૯-૭થી આગળ હતો, પરંતુ ભારતીય ખેલાડી અભય સિંહે સારું પ્રદર્શન કરતાં આ ગેમ જીતી હતી. ભારતે પાકિસ્તાનને ૧૧-૭, ૯-૧૧, ૮-૧૧, ૧૧-૯ અને ૧૨-૧૦થી હરાવ્યું હતું.
અભયે જીત બાદ કહ્યું હતું કે ‘અમે જીત્યા એનો આનંદ છે, પરંતુ આવતી કાલે મૅચ હોવાથી કોઈ ઉજવણી કરીશું નહીં.’ સૌરવ ઘોસાળે કહ્યું હતું કે ‘પરિસ્થિતિ જોતાં અભયની કારકિર્દીનો આ સૌથી મોટો વિજય છે.’ ભારત છેલ્લે ૨૦૧૪ના ઇન્ચિયોનમાં એશિયન ગેમ્સની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યું હતું, જ્યારે પાકિસ્તાન છેલ્લે ૨૦૧૦ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યું હતું. સૌરવ ઘોસાળ છઠ્ઠી વખત એશિયન ગેમ્સમાં રમી રહ્યો છે. હવે તે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા માગે છે.