પેસબોલર કુરુવિલા બનશે ટીમ ઇન્ડિયાનો સિલેક્ટર?

22 September, 2012 06:54 AM IST  | 

પેસબોલર કુરુવિલા બનશે ટીમ ઇન્ડિયાનો સિલેક્ટર?



હરિત એન. જોશી

મુંબઈ, તા. ૨૨

કૃષ્ણમાચારી શ્રીકાન્તના અધ્યક્ષસ્થાનમાં ટીમ ઇન્ડિયાની સિલેક્શન કમિટીની મુદત પૂરી થઈ રહી છે અને એ વિદાય લેતી સમિતિના પશ્ચિમ ઝોનના મેમ્બર સુરેન્દ્ર ભાવેની જગ્યાએ ભારતના ભૂતપૂર્વ પેસબોલર અને હજી પણ ડોમેસ્ટિક મૅચોમાં રમતા એબી કુરુવિલાનું નામ બીજા કેટલાક દાવેદારોમાં સૌથી આગળ છે.

૪૪ વર્ષના કુરુવિલાને હજી પાંચ દિવસ પહેલાં મુંબઈની સિનિયર ટીમનો ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ કૅપ્ટન નરી કૉન્ટ્રૅક્ટરના અધ્યક્ષસ્થાનમાં મુંબઈ ક્રિકેટ અસોસિએશનની ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ કમિટીએ મિલિંદ રેગેના સ્થાને કુરુવિલાને આ પદ સોંપવાનો નિર્ણય લીધો હતો.

કુરુવિલા શા માટે મજબૂત દાવેદાર?


ભારત વતી દસ ટેસ્ટમૅચ અને પચીસ વન-ડે રમી ચૂકેલા કુરુવિલાના અધ્યક્ષસ્થાનમાં જે સિલેક્શન કમિટીએ થોડા મહિના પહેલાં અન્ડર-૧૯ ટીમ સિલેક્ટ કરી હતી એ ટીમ થોડા દિવસ પહેલાં ઑસ્ટ્રેલિયાથી અન્ડર-૧૯ વર્લ્ડ કપ જીતીને પાછી આવી હતી.

મુંબઈ ક્રિકેટ ટીમ સિલેક્ટ કરવામાં પણ તેણે નોંધનીય ભૂમિકા ભજવી છે. ગઈ સીઝનમાં મુંબઈની જે અન્ડર-૧૯ ટીમ સિલેક્ટ થઈ હતી એણે અન્ડર-૧૯ કૂચ બિહાર ટ્રોફી જીતી લીધી હતી. ગયા વર્ષે મુંબઈનું એ એકમાત્ર ટાઇટલ હતું.

કુરુવિલા એકમાત્ર એવો સિલેક્ટર છે જે હજી પણ સ્થાનિક મૅચો રમે છે અને મુંબઈના ક્રિકેટ-મેદાનો પર ઘણી વખત જોવા મળે છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટ સહિતની સ્પર્ધાત્મક મૅચો રમવાનું ૨૦૦૦ની સાલમાં બંધ કર્યું હતું.