એબી ડી વિલિયર્સે ક્રિકેટને અલવિદા કહ્યું, મિત્ર કોહલીનો આભાર માન્યો

19 November, 2021 08:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

એબી ડી વિલિયર્સ. ફાઇલ તસવીર/એએફપી

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટ્વિટર પર તેમણે 17 વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી હતી. ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે IPL સહિત વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યો હતો. ડી વિલિયર્સે તેની નિવૃત્તિ પર IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ચાહકો માટે એક ખાસ વિડિયો જાહેર કર્યો છે. તેમણે ખાસ કરીને RCB મેનેજમેન્ટ અને તેના મિત્ર વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. ડી વિલિયર્સે ભાવુક અંદાજમાં કહ્યું કે RCB સાથે ક્યારે 11 વર્ષ વીતી ગયા તે ખબર નથી.

RCBના ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ડી વિલિયર્સે કહી રહ્યા છે કે “મેં RCB સાથે લાંબો અને સારો સમય વિતાવ્યો છે. 11 વર્ષ આમ જ વીતી ગયા અને છોકરાઓને છોડવાનું સારું લાગતું નથી. આ નિર્ણયમાં ઘણો સમય લાગ્યો, પરંતુ વિચાર-વિમર્શ બાદ મેં નિવૃત્તિ લેવાનો અને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો છે. હું RCB મેનેજમેન્ટ, મારા મિત્ર વિરાટ કોહલી, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, ચાહકો અને સમગ્ર RCB પરિવારનો આભાર માનું છું.”

ડી વિલિયર્સે ટ્વીટ કરીને નિવૃત્તિ વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું કે “આ એક શાનદાર સફર રહી, પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા મોટા ભાઈઓ સાથે બેકયાર્ડમાં મેચ રમવાથી શરૂ કરીને, મેં પૂરા જોશ અને ઉત્સાહથી રમત રમી છે.” ભૂતપૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું કે “હું જાણું છું કે મારા પરિવાર - મારા માતા-પિતા, મારા ભાઈઓ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના બલિદાન વિના કંઈપણ શક્ય ન હતું. હું મારા જીવનના આગલા તબક્કાની રાહ જોઈ રહ્યો છું જ્યાં હું તેમને પ્રાથમિકતા આપી શકીશ.”

sports news cricket news ab de villiers