કોહલી-શિખરની સદીને કારણે ગૉલ ટેસ્ટમાં ભારતે કસ્યો સકંજો

14 August, 2015 03:30 AM IST  | 

કોહલી-શિખરની સદીને કારણે ગૉલ ટેસ્ટમાં ભારતે કસ્યો સકંજો




શિખર ધવન (૧૩૪ રન) અને કૅપ્ટન વિરાટ કોહલી (૧૦૩ રન)ની શાનદાર સદી અને સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને અમિત મિશ્રાને કારણે ભારતીય ટીમે ગૉલ ટેસ્ટ મૅચના બીજા દિવસે શ્રીલંકા પર મજબૂત સકંજો કસ્યો છે. ભારતીય ટીમ ૧૯૨ રનની લીડ લઈ ૩૭૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં રમવા ઊતરેલી શ્રીલંકન ટીમની બે વિકેટ પણ લીધી હતી. બીજા દિવસનો ખેલ પૂરો થયો ત્યારે શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને પાંચ રન કર્યા હતા. હજી એ ૧૮૭ રન પાછળ છે. શ્રીલંકા એક ઇનિંગ્સથી હારે એવી શક્યતા દેખાઈ રહી છે.

ધમિકા પ્રસાદ ત્રણ અને પોતાની છેલ્લી સિરીઝ રમી રહેલો કુમાર સંગકારા એક રને નૉટઆઉટ છે. ગૉલ ટેસ્ટનો પહેલો દિવસ બોલરોનો હતો, તો બીજા દિવસે દિલ્હીના બે દબંગે રંગ જમાવ્યો હતો. વિરાટ કોહલી અને શિખર ધવન વચ્ચે ત્રીજી વિકેટ માટે ૨૨૭ રનની પાર્ટનરશિપ થઈ હતી, જે શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ કરતાં ૪૪ રન વધુ છે. લંચ બાદ કોહલીએ કરીઅરની ૧૧મી અને કૅપ્ટન તરીકે ચોથી ટેસ્ટસદી ફટકારી, તો ધવને ચોથી સદી ફટકારી હતી. ભારતના પૂંછડિયા બૅટ્સમેનો ખાસ કોઈ પ્રદર્શન નહોતા કરી શક્યા. જોકે વૃદ્ધિમાન સહા (૬૦ રન)એ શાનદાર બૅટિંગ કરી હતી. છઠ્ઠી ટેસ્ટ રમી રહેલા સહાની આ પ્રથમ હાફ સેન્ચુરી હતી.

ટીમ માટે હું ઘણું ધીમું રમ્યો : શિખર


શિખર ધવને ગૉલ ટેસ્ટમાં ૨૭૧ બૉલમાં ૧૩૪ રન કર્યા હતા. જોકે પોતાની આક્રમક સ્ટાઇલને બદલે ટીમ માટે ધીમું રમવા બદલ ઘણો સંતોષ વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું કે ‘મારી નૅચરલ ગેમને બદલવામાં મને કોઈ વધુ મુશ્કેલી નહોતી પડી. મને આ રીતે રમવાનું ગમ્યું હતું. મને બૉલને છોડી દેવાનું પણ ઘણી વખત ગમ્યું હતું. ટીમને આવી બૅટિંગની જરૂર હતી અને હું મારી ટીમ માટે એ રીતે રમ્યો હતો.’

જોકે તેણે ઉમેર્યું હતું કે ‘ફીલ્ડિંગ કરતી વખતે મારાથી કેટલાક કેચ છૂટ્યા હતા. આ કૅચ પકડવાના પ્રયાસમાં મારા જમણા હાથમાં ઘસરકા પડ્યા હતા, એને કારણે પણ હું અમુક શૉટ ફટકારી નહોતો શકતો.’

કોહલીનો જન્મ જ કૅપ્ટન્સી માટે : ગાવસકર

ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ટેસ્ટ-કૅપ્ટન વિરાટ કોહલીને એવો ક્રિકેટર ગણાવ્યો છે જે કૅપ્ટન્સી માટે જ જન્મ્યો છે અને એવી આશા પ્રગટ કરી છે કે તે લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરશે. ગાવસકરે કહ્યું હતું કે ‘તેણે અન્ડર-૧૯ કૅપ્ટન્સી કરી. વળી તે એક ખેલાડી તરીકે પણ બીજા પાસેથી શીખતો રહ્યો હતો એ ઘણી સારી વાત છે. તે શીખે છે, ભૂલો કરે છે. અમે બધા પણ ભૂલો કરતા હતા, પરંતુ તેને કૅપ્ટન બનાવ્યા બાદ લોકોની અપેક્ષાઓને જોતાં ઘણી બીક લાગે છે. તે એક યુવા ખેલાડી છે, પરંતુ તે બધા માટે તૈયાર છે. શ્રીલંકા હવે ટેસ્ટમાં પાછી ફરી શકે એમ નથી. બહુ-બહુ તો એક ઇનિંગ્સની હારની નામોશીમાંથી બચી જશે.’

વિરાટમાં દેખાય છે મૅરડોના : ગાંગુલી

ક્રિકેટ પ્રત્યેના વિરાટ કોહલીના ગાંડપણને જોઈ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ તેની સરખામણી મહાન ફુટબૉલર ડિએગો મૅરડોના સાથે કરી છે. તેણે કહ્યું હતું કે ‘મૅરડોના મારો મનપસંદ ખેલાડી છે. જ્યારે પણ તેમને હું ફુટબૉલ રમતો જોઉં તો મને તેમનું ગાંડપણ નજરે પડતું. વિરાટ કોહલીની સાથે પણ એવું જ છે. મને તેની બૉડી-લૅન્ગ્વેજ પસંદ છે. હું તેનો મોટો પ્રશંસક છું. મને કોહલી પર ઘણો ભરોસો છે. તે જીતવા માગે છે. મને આશા છે કે તે એવી ટીમ બનાવશે જે દરેક પરિસ્થિતિમાં જીતવા માટે સક્ષમ હોય.’