ભારત દરેક ફૉર્મેટમાં બનાવશે નવો કૅપ્ટન

20 November, 2022 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડે નવી પસંદગી કમિટીના સભ્યો માટે આપેલી જાહેરાતમાં દરેક ફૉર્મેટમાં કૅપ્ટન શોધવાની જવાબદારી પણ આપી

ચેતન શર્માના ચૅરમૅનપદવાળી સમિતિમાં દેબાશિષ મોહંતી, હરવિન્દર સિંહ અને સુનીલ જોષી હતા

ટી૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે પરાજય થયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે શુક્રવારે રાતે ચેતન શર્માના નેતૃત્વવાળી ચાર સભ્યોની ​પુરુષોની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી કરી હતી. ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝમાં ૨૮ નવેમ્બર સુધી સિલેક્શન કમિટીનાં પાંચ પદ માટે અરજી સ્વીકારવાની જાહેરાત પણ કરી હતી. ચેતન શર્માના ચૅરમૅનપદવાળી સમિતિમાં દેબાશિષ મોહંતી, હરવિન્દર સિંહ અને સુનીલ જોષી હતા.

ક્રિકેટ બોર્ડના નવા બંધારણ મુજબ ક્રિકેટ કમિટીના સભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, પરંતુ જૂની કમિટીના કાર્યકાળને બે વર્ષ પૂરાં થવામાં એક મહિના બાકી હતો એ પહેલાં જ તેમને હટાવવામાં આવ્યા છે. ક્રિકેટ બોર્ડે કુરુવિલાને બદલે પણ કોઈ નવા સભ્યની નિમણૂક કરી નહોતી, જેનો કાર્યકાળ આ વર્ષની શરૂઆતમાં જ પૂરો થયો હતો. ભારતીય ક્રિકેટમાં જે તળિયાઝાટક ફેરફાર કરવામાં આવશે એમાં આ પહેલું પગલું હોવાનું કહેવામાં આવે છે. નવા સિલેક્ટરોની કામગીરીમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે દરેક ફૉર્મેટની ટીમમાં કૅપ્ટનની નિમણૂક કરવી.  

રોહિત પણ દરેક ફૉર્મેટના કૅપ્ટનપદને લઈને ક્રિકેટ બોર્ડ સાથે વાત કરવાનો હતો. વળી ભારત ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપ માટે નવી ટીમ બનાવવા માગે છે. રોહિત શર્માને કદાચ આવતા વર્ષે ઘરઆંગણે રમાનારા વન-ડે વર્લ્ડ કપના કૅપ્ટનપદે રાખશે, પરંતુ અન્ય બે ફૉર્મેટ માટે નવા કૅપ્ટનની નિમણૂક કરી શકે છે. ચેતન શર્મા અને તેમની ટીમ તેમના ટર્મની શરૂઆતથી જ વિવાદમાં હતી. આ કમિટીએ કારભાર સંભાળ્યો ત્યારે જ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી. ૨૦૨૧ના ટી૨૦ વર્લ્ડ કપના ગ્રુપ-સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકામાં ટેસ્ટ અને વન-ડે સિરીઝ હારી ગયા હતા. એશિયા કપની ફાઇનલમાં પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.

અજિત આગરકર તૈયાર
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકર ફરી પાછો ક્રિકેટ બોર્ડ નૅશનલ ચીફ સિલેક્ટરના પદ માટે અરજી કરવા તૈયાર છે. ગયા વખતે પણ તેણે અરજી કરી હતી, પરંતુ તેની પસંદગી થઈ નહોતી. હાલમાં તે દિલ્હી કૅપિટલ્સનો અસિસ્ટન્ટ કોચ છે. ક્રિકેટ બોર્ડના પસંદગી સમિતિના ચૅરમૅનપદ માટે તેણે અસિસ્ટન્ટ કોચનું પદ છોડવું પડશે. આગરકર પાસે આઇપીએલ ઉપરાંત ત્રણેય ફૉર્મેટમાં રમવાનો ઘણો અનુભવ છે. 

sports sports news cricket news india board of control for cricket in india