દિલ્હી માટે આજે રાજસ્થાનની બેસ્ટ બોલિંગ સામે જીતવાનો મોટો પડકાર

11 May, 2022 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલની ૧૫મી સીઝનમાં દિલ્હી કૅપિટલ્સ એવી ટીમ છે જે સાતત્યતા ન જાળવી શકેલી ટીમમાં સૌથી ઉપર છે.

રાજસ્થાનના બટલર અને દિલ્હીના વૉર્નરમાંથી આજે કોણ સારું રમશે?

આઇપીએલની ૧૫મી સીઝનમાં દિલ્હી કૅપિટલ્સ એવી ટીમ છે જે સાતત્યતા ન જાળવી શકેલી ટીમમાં સૌથી ઉપર છે. બીજી તરફ, રાજસ્થાન રૉયલ્સની બોલિંગ આ વખતની ૧૦ ટીમમાં બેસ્ટ ગણાય છે અને આજે રિષભ પંતની ટીમે પ્લે-ઑફ માટેની રેસમાં મજબૂત રીતે ટકી રહેવા એ સુપર-ડુપર બોલિંગ સામે જીતવાનું છે. યાદ છેને, રવિવારે ડી. વાય. પાટીલમાં ચેન્નઈના ‘નવા ફૅફ ડુ પ્લેસી’ તરીકે ઓળખાતા ઓપનર ડેવોન કૉન્વે (૮૭ રન, ૪૯ બૉલ, પાંચ સિક્સર, સાત ફોર)એ દિલ્હીના બોલર્સની ધુલાઈ કરી નાખી હતી. શાર્દુલ, ખલીલ, ઍન્રિક નૉર્કિયા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને મિચલ માર્શની બોલિંગમાં જોરદાર ફટકાબાજી થઈ હતી.
યુઝવેન્દ્ર ચહલ, આર. અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નવદીપ સૈની, કુલદીપ સેન, નૅથન કૉલ્ટર-નાઇલ, જેમ્સ નીશામ, ડેરિલ મિચલ, ઑબેડ મૅકોયમાંથી જે પણ બોલર સામે દિલ્હીના બૅટર્સે રમવાનું હશે તેમણે ખૂબ સાવધાની રાખવી પડશે, કારણ કે જૉસ બટલરની ફટકાબાજી ઉપરાંત મોટા ભાગે બોલિંગના જોરે રાજસ્થાનની ટીમ ટૉપ-થ્રીમાં પહોંચી છે.
દિલ્હી માટે ડેવિડ વૉર્નર સૌથી મોટો આધાર છે, પરંતુ તેનો સાથી-ઓપનર પૃથ્વી શૉ બીમાર હોવાથી ઓપનિંગ થોડું નબળું પડ્યું છે. જોકે ખુદ રિષભ પંતે હવે સારું રમવું પડશે અને રોવમૅન પૉવેલે દર વખતની જેમ આજે પણ પાવર દેખાડવો પડશે.

sports news cricket news