રાહુલના નબળા પર્ફોર્મન્સને બદલે ઓપનર તરીકે રોહિતને ચાન્સ મળશે : પ્રસાદ

11 September, 2019 02:35 PM IST  |  નવી દિલ્હી

રાહુલના નબળા પર્ફોર્મન્સને બદલે ઓપનર તરીકે રોહિતને ચાન્સ મળશે : પ્રસાદ

એમએસકે પ્રસાદ

ઇન્ડિયન ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝને તેની જ ધરતી પર ટેસ્ટ, વન-ડે અને ટી૨૦માં જબરદસ્ત માત આપી હતી. હવે ૧૫ સપ્ટેમ્બરથી ટીમ ઇન્ડિયાની સાઉથ આફ્રિકા સામેની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. વેસ્ટ ઇન્ડીઝ ટૂર દરમ્યાન ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમના ઓપનિંગ પ્લેયર લોકેશ રાહુલનું પ્રદર્શન ટીમના સિલેક્ટરો માટે ચર્ચાનો વિષય રહ્યો છે. લોકેશે બે ટેસ્ટ મૅચની ચાર ઇનિંગમાં અનુક્રમે ૧૩, ૬, ૪૪ અને ૩૮ રન બનાવ્યા હતા.

જોકે તેના આ નબળા પર્ફોર્મન્સને લીધે સિલેક્ટરો સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મૅચમાં ઓપનિંગ પ્લેયર તરીકે રોહિત શર્માને ચાન્સ આપી શકે છે. વર્લ્ડ કપ ૨૦૧૯માં પાયાની ભૂમિકા ભજવનારા રોહિતને વિન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝમાં બહાર રાખવામાં આવ્યો હતો અને ટીમના મિડલ ઑર્ડર બૅટ્સમેન તરીકે હનુમા વિહારી અને અજિંક્ય રહાણે સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા હતા.

આ વિશે સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ‘વેસ્ટ ઇન્ડીઝ ટૂર પરથી પાછા આવ્યા બાદ અમે ટીમ ઇન્ડિયા સાથે મળી નથી શક્યા પણ હા, ટેસ્ટ મૅચમાં રોહિતને ઓપનર તરીકે ઉતારવાનો સંપૂર્ણ વિચાર કરાઈ રહ્યો છે. રાહુલ પાસે સારું ટેલન્ટ છે, પણ હાલમાં તે પોતાના અઘરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે વધારે વાર વિકેટ પર રહીને સારું પર્ફોર્મ કરવું પડશે.’

આ પણ વાંચો : પર્યાવરણમાં ફેરફારને લીધે ગરમીથી બચવા ક્રિકેટમાં હીટ રૂલ લાવવાની ભલામણ કરાઈ

કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી૨૦ સિરીઝમાં સ્થાન નહોતું મળ્યું અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પણ તેમને બહાર રાખ‍વામાં આવ્યા છે. જોકે રાહુલ ચહર તેમ જ વૉશિંગ્ટન સુંદરને સ્થાન આપવામાં આવ્યું છે. કુલદીપ અને યુઝવેન્દ્ર આ બન્ને પ્લેયરોને ઑસ્ટ્રેલિયામાં થનારા આગામી વર્લ્ડ ટી૨૦ મુકાબલામાં સામેલ કરવાની વકી છે.

cricket news sports news rohit sharma