સેહવાગે પોતાને ટ્રોલ કરી આર્યભટ્ટને કેમ યાદ કર્યા?

13 August, 2019 02:45 PM IST  |  નવી દિલ્હી

સેહવાગે પોતાને ટ્રોલ કરી આર્યભટ્ટને કેમ યાદ કર્યા?

વિરેન્દ્ર સેહવાગ

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ પ્લેયર વિરેન્દ્ર સેહવાગ પોતાના બેબાક જવાબ અને સોશ્યલ મીડિયા પરની ઍક્ટિવિટીને કારણે ઘણો ફેમસ છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયામાં પોતાને જ ટ્રોલ કર્યો હતો અને ઝીરોના આંકડાની શોધ કરનારા આર્યભટ્ટને યાદ કર્યા હતા. હકીકતમાં વાત એમ છે કે આઠ વર્ષ પહેલાં ૧૨મી ઑગસ્ટે ઇંગ્લૅન્ડ સામે રમાયેલી ટેસ્ટ મૅચમાં વીરુ પાજી એક નહીં, પણ બન્ને ઇનિંગમાં ઝીરો પર આઉટ થયા હતા. પહેલી ઇનિંગમાં તે સ્ટુઅર્ટ બ્રોડ અને બીજી ઇનિંગમાં જેમ્સ ઍન્ડરસનનો શિકાર થયો હતો. એ મૅચને યાદ કરતાં વીરુએ ટ્વીટ કરી હતી કે ‘આજના દિવસે આઠ વર્ષ પહેલાં મેં બર્મિંગહૅમમાં ઇંગ્લૅન્ડ સામે કિંગ પૅર (બન્ને ઇનિંગમાં ઝીરો આઉટ થવાની ઘટના) રમી હતી અને બે દિવસ સુધી ૧૮૮ ઓવર ફ‌ી‌લ્ડિંગ કરવી પડી હતી. ઇચ્છા તો નથી, પણ એ સમયે મેં આર્યભટ્ટને ટ્રીબ્યુટ આપ્યું હતું. જો નિષ્ફળ થવાની શક્યતા ઝીરો હોય તો તમે શું કરી શકવાના? તમારી પાસે કોઈ આંકડો હોય તો જરૂર કહેજો.’

આ પણ વાંચો : ચોથા નંબર માટે શ્રેયસ અને પાંચમા માટે પંત બેસ્ટ ચોઇસ : ગાવસકર

નોંધનીય છે કે ઇંગ્લૅન્ડ સામેની એ ટેસ્ટ મૅચ ૨૪૨ રન અને એક ઇનિંગથી ભારત હારી ગયું હતું. પહેલી ઇનિંગમાં ૨૨૪માં ઑલઆઉટ થનારી ભારતીય ટીમ માટે યજમાન ટીમે સાત વિકેટે ૭૧૦ રન કર્યા હતા અને ઇંગ્લૅન્ડ પાસેથી મળેલા ટાર્ગેટને પ્રાપ્ત કરવાની દોડમાં પણ ટીમ ઇન્ડિયા સારું પર્ફોર્મ ન કરી શકતાં ૨૪૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એલેસ્ટર કૂકે આ મૅચમાં ૨૯૪ની ઇનિંગ રમી હતી.

virender sehwag cricket news sports news