હવે IPL સ્ટાઇલની રમાશે ખો-ખો લીગ

03 April, 2019 12:26 PM IST  | 

હવે IPL સ્ટાઇલની રમાશે ખો-ખો લીગ

ખો-ખો

ખો-ખો ફેડરેશન ઑફ ઇન્ડિયા (KKFI)એ ડાબર ઇન્ડિયા લિમિટેડ સાથે મળીને IPL સ્ટાઇલની ‘અલ્ટિમેટ ખો-ખો’ નામની પ્રોફેશનલ ફ્રૅન્ચાઇઝી લીગ આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ ડબલ રાઉન્ડ-રોબિન ફૉર્મેટની લીગમાં ૨૧ દિવસમાં ૮ ટીમો ૬૦ મૅચો રમશે. આ ૮ ટીમમાં ભારત સહિત ઇંગ્લૅન્ડ, સાઉથ કોરિયા, ઈરાન, બંગલા દેશ, નેપાલ અને શ્રીલંકાના ખેલાડીઓ ભાગ લેશે.

ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન રાઠોડે વિડિયો-ચૅટ દ્વારા લીગ લૉન્ચના પ્રોગ્રામમાં જોડાતાં કહ્યું, ‘નાની રમતોથી સ્થાનિક ખેલાડીઓને ચાન્સ મળે એ જરૂરી છે. આ લીગને કારણે ભારતની આ રમતની લોકપ્રિયતા ઘણી વધશે અને ખેલાડીઓ માટે એક નવી કરીઅરની તક ઊભી થશે.’

ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનના સેક્રેટરી જનરલ અને KKFIના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રાજીવ મહેતા આ લીગના ચૅરમૅન છે. રાજીવ મહેતાએ કહ્યું, ‘આ પ્રકારની લીગનું આયોજન કરવાનો વિચાર મને 20૧૭માં આવ્યો હતો જ્યારે હું KKFIનો પ્રેસિડન્ટ હતો. હું ભારતની આ રમતની સિસ્ટમ ઊભી કરવા માગું છું. મારો ટાર્ગેટ ભારતની આ જૂની રમતની ભવ્યતા પાછી લાવવાનો છે. ઑલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાએ ખો-ખોને માન્યતા આપી છે અને 20૨૨ એશિયન ગેમ્સમાં આ એક સ્પર્ધાત્મક રમત તરીકે રમાશે. ભારત 20૩૨ ઑલિમ્પિક્સ ગેમ્સ આયોજન કરવાનો દાવો કરી રહ્યું છે અને જો ભારતને આ ગેમ્સ આયોજન કરવાનો મોકો મળશે તો આયોજક દેશ તરીકે ભારત ખો-ખો સહિત વધુ ૨-૩ ગેમ્સ ઉમેરી શકશે.’

sports news