પંત DRSનો કૉલ લઈ શકે છે કે નહીં એ વિચારવું થોડુ વહેલું કહેવાશે : રોહિત

05 November, 2019 02:48 PM IST  |  Mumbai

પંત DRSનો કૉલ લઈ શકે છે કે નહીં એ વિચારવું થોડુ વહેલું કહેવાશે : રોહિત

રોહિત શર્મા

રોહિત શર્માનું કહેવું છે કે રિષભ પંત ડીઆરએસનો કૉલ લેવા માટે સક્ષમ છે કે નહીં એ વિશે વાત કરવી થોડી વહેલી કહેવાશે. ભારતીય ક્રિકેટ ટીમ બંગલા દેશ સામેની પહેલી ટી૨૦ મૅચ સાત વિકેટે હારી જતાં ક્રિકેટપ્રેમીઓને મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી ગઈ હતી. વાસ્તવમાં આ મૅચ દરમ્યાન વિકેટકીપર તરીકે ફરજ બજાવી રહેલા રિષભ પંતે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં કરેલી બે ભૂલ ટીમને ભારે પડી હતી. પંતની આ ભૂલ પર ક્રિકેટપ્રેમીઓ ખફા થયા હતા. ઇનિંગની દસમી ઓવરના ત્રીજા બૉલે અમ્પાયરે યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં મુશફિકુર રહીમને એલબીડબ્લ્યુ નૉટઆઉટ આપ્યો હતો. આ નિર્ણય પર પંતે ના પાડતાં ભારતે રિવ્યુ લીધો નહોતો. જોકે રિપ્લેમાં સ્પષ્ટ હતું કે રહીમ આઉટ હતો. બંગલા દેશનો વિકેટકીપર ત્યારે છ રને બૅટિંગ કરી રહ્યો હતો અને એ પછી તેણે અણનમ ૬૦ રનની ઇનિંગ રમીને બંગલા દેશને જીત અપાવી હતી.

પંતનો બચાવ કરતાં રોહિતે કહ્યું હતું કે ‘પંત હજી યુવાન છે. તેને આવી પરિસ્થિતિ સમજવા માટે સમય લાગશે અને અત્યારે કંઈ પણ જજ કરવું વહેલું ગણાશે. તમે કોઈ પણ ફૉર્મેટની ગેમ રમો, જ્યારે તમે સાચી પૉઝિશન પર ન હો ત્યારે એક ફીલ્ડર તરીકે તમારે બોલર અને વિકેટકીપર પર ભરોસો રાખવો પડે છે અને એના આધારે જ નિર્ણય લેવો પડતો હોય છે. જો અમે ફીલ્ડ પર સ્માર્ટનેસ સાથે રમ્યા હોત તો કેટલાક નિર્ણય અમારા વિરોધમાં નહીં હોત. પિચ જોતાં ૧૪૮ રનનો સ્કોર સારો હતો, પણ અમારું ડિસિઝન મેકિંગ સારું નહોતું અને બે-ત્રણ નિર્ણય લેવામાં અમે ભૂલ કરી હતી. શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા પછી પિચનો મિજાજ જોતાં અમારે ૧૪૦થી ૧૫૦ રન કરવા હતા અને ઇનિંગ-બ્રેકમાં સ્કોરબોર્ડથી અમે સંતુષ્ટ હતા. જોકે અમારા યુવા બૅટ્સમેનોએ શીખવાની જરૂર છે કે બૉલ ટર્ન થતો હોય અને પિચ ધીમી હોય તો કઈ રીતે બૅટિંગ કરાય. તેમને આ સમજતા થોડો સમય લાગશે. બંગલા દેશે સારી રીતે રમત સમજી, રમી અને જીતી હતી.’

ચહલની ચોથી ઓવરમાં અમ્પાયરે સૌમ્ય સરકારની કોટ બિહાઇન્ડની અપીલ નકારી હતી. પંતે આગ્રહ કરતાં રોહિતે રિવ્યુ લીધો હતો અને રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બૉલ બૅટને અડ્યો નહોતો. ડીઆરએસના આ નિર્ણયને લીધે ભારતે પોતાનું રિવ્યુ ગુમાવ્યું હતું.

ગ્રાઉન્ડ પર કરેલી ભૂલ અમને ભારે પડી : રોહિત

વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળી રહેલા રોહિત શર્માએ મૅચ હારી ગયા બાદ સ્વીકાર્યું હતું કે તેઓ ગ્રાઉન્ડ પર કાચા સાબિત થયા હતા. બંગલા દેશની ટીમનાં વખાણ કરતાં રોહિત શર્માએ કહ્યું હતું કે ‘અમે બૅટિંગ કરવા આવ્યા ત્યારથી જ બંગલા દેશે અમને પ્રેશરમાં રાખ્યા હતા. અમારો સ્કોર અમે ડિફેન્ડ કરી શકતા હતા, પણ અમારી ભૂલ અમને ભારે પડી હતી. કેટલાક પ્લેયર્સ બિનઅનુભવી હતા. તેઓ પોતાની ભૂલમાંથી શીખશે અને ફરી ભૂલ ન કરે એવી આશા રાખું છું.’
આ મૅચમાં શિવમ દુબેએ ડેબ્યુ કર્યું હતું અને તે ખાસ કશું કરી શક્યો નહોતો અને રિષભ પંતની ભૂલો પણ ટીમને ભારી પડી હતી જેના લીધે ટીમ જીતતાં-જીતતાં હારી ગઈ હતી.

ખરાબ વાતાવરણ વચ્ચે મૅચ રમવા બદલ ગાંગુલીએ બન્ને ટીમનો માન્યો આભાર

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં રોહિત શર્મા અને મહમ્મુદુલ્લાહનો આભાર માન્યો છે. નવી દિલ્હીમાં ખરાબ વાતાવરણને લીધે રાજકીય પક્ષના નેતાથી લઈ સામાન્ય જનતા હેરાન થઈ રહી છે એવામાં આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભારત અને બંગલા દેશની ટીમ પહેલી ટી૨૦ મૅચ રમી એ બદલ ગાંગુલીએ બન્ને ટીમનો આભાર માન્યો છે. ગાંગુલીએ કહ્યું હતું કે ‘ખરાબ વાતાવરણમાં પણ ગેમ રમવા બદલ બન્ને ટીમનો આભાર. શાબાશ બંગલા દેશ.’

પહેલી મૅચ પહેલાં પણ ગાંગુલીએ બંગલા દેશની ટીમનો આભાર માન્યો હતો કેમ કે તેમણે આ ખરાબ વાતાવરણ વિશે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી નહોતી અને માસ્ક પહેરીને પ્રૅક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.

ડીઆરએસમાં નિષ્ફળ રહેતાં પંત ફરી થયો ટ્રૉલ

બંગલા દેશ સામે જીતતાં-જીતતાં હારી ગયા બાદ ભારતના ક્રિકેટપ્રેમીઓનો ગુસ્સો ફરી એક વાર રિષભ પંત પર ઊતર્યો છે અને તેને સોશ્યલ મીડિયામાં લોકોએ ટ્રૉલ કર્યો હતો.

પંતે મૅચમાં લીધેલા બે ખોટા ડીઆરએસને કારણે ભારતને વિકેટ મળતાં-મળતાં રહી ગઈ હતી અને મુશફિકુર જ છ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ હતો તે નાબાદ ૬૦ રન કરીને પોતાની ટીમને જિતાડી ગયો. આ વિશે ક્રિકેટપ્રેમીઓએ પંતને આડે હાથ લીધો હતો. એક ચાહકે તો એટલું પણ કહી દીધું હતું કે તમારી પાસે ટીમમાં વૃદ્ધિમાન સહા, સંજુ સેમસન અને શુભમન ગિલ જેવા પ્લેયર્સ છે તો શા માટે તમે વારંવાર રિષભ પંતને જ રમાડો છો?

કેટલાક ક્રિકેટચાહકોએ એમ કહ્યું હતું કે ટીમમાં પંતનું સિલેક્શન ‍ઈવીએમ મશીનથી કરાયું છે તો વળી કોઈકે પંતને આ મૅચનો વિલન ગણાવ્યો હતો.

rohit sharma cricket news Rishabh Pant sports news