રોહિત માટે ટેસ્ટમાં આ ડ્રીમ ઓપનિંગ છે : સેહવાગ

08 October, 2019 04:10 PM IST  |  વિશાખાપટ્ટનમ

રોહિત માટે ટેસ્ટમાં આ ડ્રીમ ઓપનિંગ છે : સેહવાગ

(આઇ.એ.એન.એસ.) ઓપનર તરીકે પોતાની પહેલી ટેસ્ટ મૅચમાં રોહિત શર્માએ હરીફ ટીમના દાંત ખાટા કરી દીધા હતા અને આખી મૅચમાં ૧૭૬ અને ૧૨૭ રન સાથે કુલ ૩૦૩ રનની પારી રમી હતી. આ ધમાકેદાર ઇનિંગ માટે રોહિત પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ટીમને શુભેચ્છા આપતાં કહ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયાને સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લેવા માટે અભિનંદન. ખૂબ સરસ રમ્યા.’

સચિન ઉપરાંત વિરેન્દર સેહવાગે પોતાની આગવી સ્ટાઇલમાં કહ્યું હતું કે ‘રોહિત માટે આ મૅચ ખૂબ જ અદ્ભુત રહી. ટેસ્ટ મૅચમાં આ તેનું ડ્રીમ ઓપનિંગ રહ્યું. ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. મયંક, શમી, અશ્વિન અને પૂજારાના મહત્ત્વપૂર્ણ યોગદાનને કારણે ટીમ ઇન્ડિયા જીત મેળવી શકી.’
આ પ્લેયરો ઉપરાંત હરભજન સિંહ, ગૌતમ ગંભીર અને ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ટીમને શુભેચ્છા આપી હતી.

વિશાખાપટ્ટનમ : (આઇ.એ.એન.એસ.) ભારત અને સાઉથ આફ્રિકા સામેની મૅચમાં પહેલી ઇનિંગમાં એકમાત્ર ડબલ સેન્ચુરી મારનાર મયંક અગરવાલની પ્રશંસા કરતાં વી.વી.એસ. લક્ષ્મણે તેની ગેમને વિરેન્દર સેહવાગ સાથે સરખાવી છે. મયંકના સંદર્ભમાં વાત કરતાં લક્ષ્મણે કહ્યું હતું કે ‘તે એક જબરદસ્ત બૅટ્સમૅન છે. તે આ મૅચ ડોમેસ્ટિક ક્રિકેટની જેમ રમ્યો હતો. સામાન્યપણે પ્લેયરો ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ટરનૅશનલ ક્રિકેટની પોતાની સ્ટાઇલ બદલતા હોય છે, પણ મયંકના કેસમાં એવું જોવા ન મળ્યું. તેણે બન્ને ફૉર્મેટમાં પોતાની સ્ટાઇલ એકસરખી જમાવી રાખી. તેની માનસિક સ્થિતિ અને ફિટનેસ તેની તાકાત છે. ખરું કહું તો તે પોતાના ફેવરિટ પ્લેયર વિરેન્દર સેહવાગની જેમ નીડરતાથી રમ્યો હતો.’

virender sehwag