બુમરાહ અને રબાડા વચ્ચેની ટક્કર ક્રિકેટપ્રેમીઓ માટે હશે દિવાલી ધમાકા

14 September, 2019 04:24 PM IST  |  મુંબઈ | હરિત જોશી

બુમરાહ અને રબાડા વચ્ચેની ટક્કર ક્રિકેટપ્રેમીઓ માટે હશે દિવાલી ધમાકા

જસપ્રિત બુમરાહ VS કેગિસો રબાડા

મુંબઈ : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ઑક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં વર્તમાન ક્રિકેટના ટૉપના બે પેસ બોલરો જસપ્રીત બુમરાહ અને કેગિસો રબાડા વચ્ચેની ટક્કર ક્રિકેટપ્રેમીઓ માટે દિવાલી ધમાકા બની રહેશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ રૅન્કિંગમાં ટેસ્ટ બોલરોમાં બુમરાહ ત્રીજા અને રબાડા બીજા સ્થાને છે.

નવાઈની વાત એ છે કે બુમરાહે ગયા વર્ષે તેની ટેસ્ટ કરીઅરની શરૂઆત સાઉથ આફ્રિકા સામે કરી હતી, જ્યારે આફ્રિકન બોલર રબાડાએ તેની ટેસ્ટ કરીઅરની શરૂઆત ભારતમાં ટીમ ઇન્ડિયા સામેની સિરીઝથી કરી હતી. જ્યારે ૨૦૧૫માં સ્પિન-ફ્રેન્ડ્લી ભારતીય પિચો પર રબાડા ખાસ સફળ નહોતો થયો અને ત્રણ ટેસ્ટમાં માત્ર બે જ વિકેટ ઝડપી શક્યો હતો. જ્યારે બુમરાહે આફ્રિકન પિચ પર તરખાટ મચાવતાં ૩ ટેસ્ટમાં ૧૪ વિકેટ સાથે શાનદાર શરૂઆત કરી હતી.

રબાડાએ થોડા દિવસ પહેલાં કમેન્ટ કરી હતી કે જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચરના પર્ફોર્મન્સને લીધે મારામાં જોશ આવી જાય છે અને મારી બોલિંગમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. જોકે બુમરાહ આવા કોઈ ખાસ ખેલાડી સામેની ટક્કર વિશે ધ્યાન નથી આપતો.

ગઈ કાલે એક બ્રૅન્ડના ઍમ્બૅસૅડર બન્યા પછી તેણે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું આવી કોઈ વાતોમાં નથી માનતો. હું ઇન્ડિવિજ્યુઅલ પર ફોકસ નથી કરતો. મારા માટે ટીમની સફળતા સૌથી વધારે મહત્ત્વની છે. હું ટીમ માટે કેટલું યોગદાન આપી શકું છું એના પર ફોકસ કરું છું.’

તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં બુમરાહ અને રબાડા વચ્ચે જબરદસ્ત હરીફાઈ જોવા મળી હતી. બન્ને પેસરોએ પોતાના ઓપનિંગ સ્પેલથી બૅટ્સમેનોને પરેશાન કર્યા હતા. બુમરાહે તેની પહેલી ૬ ઓવરમાં માત્ર ૧૩ રન આપીને બે વિકેટ ઝડપી હતી, જ્યારે રબાડાએ તેના પહેલા સ્પેલમાં ૨૧ રન આપીને એક વિકેટ ઝડપી હતી.

બુમરાહ સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંનિગ્સમાં પાંચ વિકેટ ઝડપવાની કમાલ કરી ચૂક્યો છે અને હવે ઘરઆંગણે પ્રથમ વાર સાઉથ આફ્રિકનો સામે વધુ એક વાર કમાલ કરવા તત્પર છે.

બુમરાહે વધુમાં કહ્યું કે ‘દેશ વતી રમતાં પહેલાં હું મારું તમામ ક્રિકેટ ભારતમાં રમ્યો હતો એટલે ભારતીય પરિસ્થિતિ કંઈ નવી વાત નથી, પણ ટેસ્ટ મૅચમાં રમવું અલગ અનુભવ હશે. સિરીઝની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ટીમ મૅનેજમેન્ટ અને સિનિયર પ્લેયરો સાથે ચર્ચા કરીશ કે અહીં શું કામ આવી શકે અને શું ન આવી શકે.’

ટી૨૦માં આરામ અપાતાં બ્રેક કેટલો મદદરૂપ થશે? એના જવાબમાં તેણે કહ્યું કે ‘આ નિર્ણય પાછળ ઘણો વિચાર કરવામાં આવ્યો હતો. આ બ્રેકને કારણે મારામાં વિકેટ લેવાની ભૂખ વધી છે. જો પ્લેયર ત્રણેય ફૉર્મેટ રમતો હોય તો તેણે ફ્રેશ રહેવું જરૂરી છે.’

‘ટેસ્ટ ક્રિકેટમાં બેસ્ટ’ મારું લક્ષ્ય : બુમરાહ
મુંબઈ (પી.ટી.આઇ.): યૉર્કર-સ્પેશ્યલિસ્ટ જસપ્રીત બુમરાહે ગઈ કાલે કહ્યું હતું કે હું હંમેશાં ક્રિકેટના અલ્ટિમેટ ફૉર્મેટ ટેસ્ટ ક્રિકેટમાં સક્સેસ મેળવવા માગું છું. બુમરાહ ફક્ત ૧૨ ટેસ્ટ રમ્યો છે અને એમાં તેણે ૬૨ વિકેટ લીધી છે. તેણે હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી ટેસ્ટમાં હૅટ-ટ્રિકની શાનદાર સિદ્ધિ મેળવી હતી.

ગઈ કાલે બુમરાહે કહ્યું હતું કે ‘ટેસ્ટ ક્રિકેટ મારા માટે ઘણું મહત્ત્વનું છે. હું હંમેશાં ટેસ્ટ ક્રિકેટ રમવા માગતો હતો. હું નહોતો ઇચ્છતો કે મારા પર લિમિટેડ ઓવર ક્રિકેટરનું ટૅગ લાગે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-ડેબ્યુ કર્યું એ ક્ષણ મારા માટે સપનું સાકાર થવા જેવી હતી. વાઇટ જર્સી પહેર્યા પછી ટીમની સક્સેસમાં ધીરે-ધીરે યોગદાન આપતાં મને ઘણો સંતોષ થાય છે. ઇંગ્લૅન્ડમાં રમ્યા પછી ખબર પડી હતી કે હું આઉટસ્વિંગ બૉલ સારી રીતે ફેંકી શકીશ. ડ્યુક બૉલ લાંબા સમય સુધી સ્વિંગ થાય છે અને એને કારણે મને કૉન્ફિડન્સ મળ્યો હતો.’

sports news cricket news jasprit bumrah kagiso rabada