ચાર દિવસની ટેસ્ટ મૅચના પક્ષમાં નથી તેન્ડુલકર

06 January, 2020 04:45 PM IST  |  Mumbai Desk

ચાર દિવસની ટેસ્ટ મૅચના પક્ષમાં નથી તેન્ડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ટેસ્ટ મૅચને ચાર દિવસની કરવાની બાબતમાં પોતાનો નકાર નોંધાવ્યો છે. તેન્ડુલકર પહેલાં વિરાટ કોહલીએ પણ આ વિચાર પર પોતાની અસહમતી દર્શાવી હતી. 

ઉક્ત મુદ્દે પોતાના વિચાર રજૂ કરતાં તેન્ડુલકરે કહ્યું કે ‘ટેસ્ટ મૅચમાં એક દિવસ ઘટાડવાનો અર્થ થાય છે કે આપણે બોલરો પાસેથી એક દિવસ છીનવી લઈએ છીએ. પાંચમા દિવસે સ્પિનરોને સર્ફેસ પર વિકેટ લેવામાં વધારે લાભ મળે છે. આ ટેસ્ટ ક્રિકેટનો એક ભાગ છે. ટેસ્ટ મૅચને ચાર દિવસની કરવાથી સ્પિનરોને મળતી રમવાની સારી તક ગુમાવવી પડશે.’
આ ઉપરાંત સચિને ટેસ્ટ ક્રિકેટમાં સારી સર્ફેસ ધરાવતી મૅચ વિશે વાત કરી હતી. તેન્ડુલકરે કહ્યું હતું કે ‘મારા મતે આઇસીસીએ ક્વૉલિટીવાળી સર્ફેસ પર ધ્યાન આપવું જોઈએ. બૉલને સ્વિંગ, સીમ, સ્પિન અને બાઉન્સ થવા દો. એને લીધે ગેમ બરાબર રમાશે અને મૅચનાં પરિણામ પણ બદલાશે. આજની તારીખમાં ઘણી ડેડ ગેમ્સ રમાય છે.’

પૉન્ટિંગે મિલાવ્યો સચિનના સૂરમાં સૂર
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે તાજેતરમાં ચાર દિવસની ટેસ્ટ મૅચનો વિરોધ કરતાં સચિન તેન્ડુલકરના સૂરમાં સૂર મિલાવ્યો હતો.
આ બાબતે પોતાની વાત રજૂ કરતાં પૉન્ટિંગ કહ્યું કે ‘હું આ નિર્ણયના પક્ષમાં નથી, પણ જે લોકો આ નિર્ણયને સમર્થન આપે છે તેમના વિચાર જાણવા માગીશ. મને ખબર છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં ચાર દિવસની ટેસ્ટ મૅચની ઘણી વાતો કરવામાં આવી છે છતાં જોયું છે કે પાછલા દસકામાં અનેક ટેસ્ટ મૅચ ડ્રૉ ગઈ છે. મને આશ્ચર્ય છે કે એમાંની મોટા ભાગની ટેસ્ટ મૅચ ચાર દિવસની હતી.’

ચાર દિવસની ટેસ્ટનો આઇડિયા ફાલતુ છે : ગંભીર
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર અને હાલના નવી દિલ્હીના સંસદસભ્ય ગૌતમ ગંભીરે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે ટેસ્ટ મૅચને પાંચ દિવસને બદલે ચાર દિવસની કરવાના આઇસીસીના આઇડિયાને ફાલતુ ગણાવ્યો છે. પોતાના વિચાર રજૂ કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે ‘મારા મતે ચાર દિવસની ટેસ્ટ મૅચનો આઇડિયા એકદમ ફાલતુ છે અને એને તરત જ ડ્રૉપ કરી દેવો જોઈએ. આને કારણે મૅચ વધારે પડતી ડ્રૉ થશે, સ્પિનરો પાસેથી રમવાની તક જતી રહેશે અને પાંચમા દિવસે પિચ પર થતા બદલાવની મજા પણ છીનવાઈ જશે.’

sports news sports cricket news virat kohli sachin tendulkar ricky ponting gautam gambhir