ઘરઆંગણે મહેમાનને ૨-૦થી હરાવવાના જોશ સાથે મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા

22 September, 2019 11:39 AM IST  |  મુંબઈ ડેસ્ક

ઘરઆંગણે મહેમાનને ૨-૦થી હરાવવાના જોશ સાથે મેદાનમાં ઊતરશે ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયા

બૅન્ગલોર : (પી.ટી.આઇ.) ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ ટી૨૦ મૅચની સિરીઝમાંની ત્રીજી અને છેલ્લી ટી૨૦ મૅચ આજે બૅન્ગલોરના એન. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. અત્યાર સુધી ભારત આ સિરીઝમાં ૧-૦થી આગળ છે. પહેલી મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. વેસ્ટ ઇન્ડીઝને ક્રિકેટના દરેક ફૉર્મેટમાં હરાવીને આવેલી ટીમ ઇન્ડિયાનો જોશ ઉચ્ચ સ્તરે છે એમ ચોક્કસ કહી શકાય અને આજની ત્રીજી અને અંતિમ મૅચ જીતીને એ ૨-૦થી સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે. સામા પક્ષે ક્વિન્ટન ડી કૉકની ટીમ આજની મૅચ કોઈ પણ સંજોગોમાં જીતવાનો મરણિયો પ્રયાસ કરીને સિરીઝ ૧-૧થી ડ્રૉ કરવાની મથામણ કરશે. બીજી મૅચમાં ભારતે બાજી મારી લેતાં સિરીઝ લગભગ એના પક્ષે જતી રહી છે, પણ જો આજે સાઉથ આફ્રિકા મૅચ જીતી જાય તો ભારતીય ટીમના આ સિરીઝ જીતવાના સપનાને સાકાર થતાં એ અટકાવી શકશે. 

ગઈ મૅચમાં વિરાટ કોહલી જે પ્રમાણે અણનમ ૭૨ રનની ઇનિંગ રમ્યો હતો એ પ્રમાણે આજે પણ કોહલી અને તેની ટીમના શાનદાર પર્ફોર્મન્સ પર સૌકોઈની નજર રહેશે. આ સાથે જ રિષભ પંત પર પણ સૌકોઈ નજર રાખી રહ્યું છે. તેનો ગુસ્સો, તેના શૉટ્સનું સિલેક્શન વગેરે સતત ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યરને કારણે મિડલ ઑર્ડર વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારની જગ્યાએ દીપક ચાહર અને નવદીપ સાઈની ખૂબ જ સારી બોલિંગ કરી રહ્યા છે.
છેલ્લી મૅચમાં એક પણ વિકેટ ન લઈ શકનાર કૅગિસો રબાડાનો બોલિંગ-અટૅક પણ જોવા જેવો હશે. ડી કૉક આ મૅચમાં ફાસ્ટ બોલર્સ અને સ્પિનર્સને ક્યારે ઉતારવા એ વિશે પણ નવી વ્યૂહરચના રચે તો નવાઈ નહીં. આ ટી૨૦ સિરીઝ બાદ બન્ને વચ્ચે ૨૬ સપ્ટેમ્બરથી ત્રણ દિવસની પ્રૅક્ટિસ મૅચ રમાશે અને બીજી ઑક્ટોબરથી ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝની પહેલી ટેસ્ટ મૅચનો વિશાખાપટ્ટનમમાં શુભારંભ થશે.

cricket news sports news sports