T20માં પાકિસ્તાનનો વિજયરથ અટક્યો

03 February, 2019 10:24 AM IST  | 

T20માં પાકિસ્તાનનો વિજયરથ અટક્યો

ફૅફ ડુ પ્લેસી

ફૅફ ડુ પ્લેસી અને રિઝ હેન્ડ્રિસ્કની રેકૉર્ડ પાર્ટનરશિપના દમ પર સાઉથ આફ્રિકાએ પહેલી T૨૦ મૅચમાં પાકિસ્તાનને છ રન હરાવીને એના વિજય અભિયાન પર રોક લગાવી હતી. આ પહેલાં T૨૦ ફૉર્મેટની નંબર વન ટીમ પાકિસ્તાન સતત નવ મૅચ જીત્યું હતું. સાઉથ આફ્રિકાએ પહેલાં બૅટિંગ કરતાં છ વિકેટે ૧૯૨ રન બનાવ્યા હતા. ત્યાર બાદ રોમાંચક મુકાબલો ૬ રનથી જીતી લીધો. પાકિસ્તાને નવ વિકેટ પર ૧૮૬ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરે ડાયરેક્ટ થ્રો કરીને બે રનઆઉટ અને રેકૉર્ડ ચાર કૅચ પકડ્યા હોવાથી તેને મૅન ઑફ ધ મૅચ પણ જાહેર કરાયો હતો.

ડુ પ્લેસીએ ૪૫ બૉલમાં ૭૮ રન બનાવ્યા અને હેન્ડ્રિસ્ક સાથે બીજી વિકેટ માટે ૭૪ બૉલમાં ૧૩૧ રનની પાર્ટનરશિપ કરી હતી. હેન્ડ્રિસ્કએ ૪૧ બૉલમાં ૭૪ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ છેલ્લા ૨૮ બૉલમાં ૩૫ રનની અંદર પાંચ વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાનની શરૂઆત પણ ખરાબ રહી હતી. ફખર જમાન પહેલી જ ઓવરમાં આઉટ થયો હતો. બાબર આઝમ (૩૮) અને હુસૈન તલત (૪૦) વચ્ચે બીજી વિકેટ માટે ૬૧ બૉલમાં ૮૧ રનની પાર્ટનરશિપ થઈ હતી ત્યાર બાદ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. શોએબ મલિકે ૩૧ બૉલમાં ૪૯ રન બનાવ્યા, પરંતુ તે છેલ્લી ઓવરના ત્રીજા બૉલમાં આઉટ થયો હતો.

ફૅફ ડુ પ્લેસીને બાકી બે મૅચ માટે આરામ

સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન સામેની ત્રણ T૨૦ મૅચોની બાકી બે મૅચ માટે કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીને આરામ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ડેવિડ મિલરને ડુ પ્લેસીને બદલે કૅપ્ટન બનાવાયો છે.

pakistan south africa sports news cricket news t20 international