એક ઇનિંગમાં પાંચ કૅચ પકડીને સ્ટોક્સે સરજ્યો ઇતિહાસ

06 January, 2020 04:56 PM IST  |  Mumbai Desk

એક ઇનિંગમાં પાંચ કૅચ પકડીને સ્ટોક્સે સરજ્યો ઇતિહાસ

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ મૅચમાં એક ખાસ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. સ્ટોક્સે ટેસ્ટ મૅચની એક ઇનિંગમાં પાંચ કૅચ પકડીને ઇતિહાસ રચ્યો છે અને ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં બનેલી આ પહેલી ઘટના છે.

ગઈ કાલે ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે જેમ્સ ઍન્ડરસનના બૉલ પર એનરિક નોર્કિયાનો કૅચ પકડીને બેન સ્ટોક્સે આ કારનામું કર્યું હતું. તેણે આ પાંચેય કૅચ સ્લિપમાં પકડ્યા હતા. ઇંગ્લૅન્ડ પોતાની પહેલી ટેસ્ટ મૅચ ૧૮૭૭માં રમ્યું હતું અને આજ સુધી આ દેશ કુલ ૧૦૧૯ ટેસ્ટ મૅચ રમ્યો છે જેમાં કોઈ પ્લેયરે એક ઇનિંગમાં ચાર કૅચ પકડ્યા હોવાના કિસ્સા ૨૩ વખત બન્યા હતા, પણ ગઈ કાલે સ્ટોક્સે એક ઇનિંગમાં પાંચ કૅચ પકડીને બધાને પાછળ મૂકી દીધા હતા. ટેસ્ટ મૅચની એક ઇનિંગમાં પાંચ કૅચ લેનારો તે ૧૨મો પ્લેયર બન્યો છે. ૨૦૧૭-’૧૮માં ઑસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથે આ પરાક્રમ કર્યું હતું, જ્યારે ૧૯૩૬માં વિક્ટર રિચર્ડસને સાઉથ આફ્રિકા સામેની મૅચમાં પહેલી વાર એક ઇનિંગમાં પાંચ કૅચ પકડવાનો વિક્રમ સરજ્યો હતો.

cape town sports news sports cricket news