ઉદાનાના ૮૪ રન છતાં આફ્રિકનોએ ટી૨૦ સિરીઝ કરી કબજે

24 March, 2019 11:22 AM IST  | 

ઉદાનાના ૮૪ રન છતાં આફ્રિકનોએ ટી૨૦ સિરીઝ કરી કબજે

ઉદાનાએ આપી હતી લડત

સેન્ચુરિયનના સુપરસ્ર્પોટ પાર્ક ગ્રાઉન્ડમાં રમાયેલી વ્૨૦ ઇન્ટરનૅશનલ સિરીઝની બીજી મૅચમાં સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને ૧૬ રનથી હરાવીને સિરીઝ જીતી લીધી હતી. ૧૮૧ રનના ટાર્ગેટ સામે ઇસરુ ઉદાનાએ ૪૮ બૉલમાં ૮ ફોર અને ૬ સિક્સરની મદદથી નૉટઆઉટ ૮૪ રન બનાવીને હરીફ ટીમ માટે ટેન્શન ઊભું કર્યું હતું. ટૉસ જીતીને શ્રીલંકાના કૅપ્ટન લસિથ મલિન્ગાએ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઉદાનાએ એઇડન માક્રમને ફક્ત ૩ રને આઉટ કરીને સારી શરૂઆત કરાવી હતી જેનો લાભ બીજા બોલરો ઉઠાવી શક્યા નહોતા. રીઝ હેન્ડિક્સિના ૪૬ બૉલમાં ૬૫ અને પ્લેયર ઑફ ધ મૅચ રેસી વેન ડર ડૂસેને ૪૪ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સરની મદદથી ૬૪ રન બનાવ્યા હતા.

કૅપ્ટન મલિન્ગાએ રીઝ હેન્ડિક્સિને ૧૫મી ઓવરમાં આઉટ કરીને ૧૧૬ રનની પાર્ટનરશિપનો અંત આણ્યો હતો. ત્યાર બાદ ૧૭મી ઓવરમાં અકિલા ધનંજયે ડૂસેનને ક્લીન-બોલ્ડ કર્યો હતો. કૅપ્ટન જીન-પૉલ ડુમિની અને ડેવિડ મિલરે છેલ્લી ૩.૫ ઓવરમાં ૪૨ રન ઝૂડીને સ્કોર ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૮૦ રન સુધી પહોંચાડ્યો હતો.

આ પણ વાંચોઃ ફિન્ચની સેન્ચુરીથી પહેલી વન-ડેમાં પાકિસ્તાનનો ૮ વિકેટથી પરાજય

સિરીઝ બચાવવા બૅટિંગ કરવા મેદાનમાં ઊતરેલી શ્રીલંકાએ ૩૧ રનમાં ૪ અને ૮૩ રનમાં ૭ વિકેટ ગુમાવી હતી છતાં ઉદાનાએ ગજબની આક્રમક ઇનિંગ્સ રમીને આફ્રિકનોનો શ્વાસ અધ્ધર કર્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં ૧૫ રન ફટકારીને પરાજયનું અંતર ચોક્કસ ઘટાડ્યું હતું. પહેલી મૅચ ટાઇ થયા પછી સુપર- ઓવર એલિમિનેટરમાં યજમાન ટીમે બાજી મારી હતી. ત્રીજી અને છેલ્લી મૅચ આજે જોહનિસબર્ગના ધ વૉન્ડરર્સ ગ્રાઉન્ડમાં રમાશે.

sri lanka south africa t20 international cricket news sports news