ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાનું જબરદસ્ત પરાક્રમ

06 February, 2020 03:02 PM IST  |  Mumbai Desk

ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાનું જબરદસ્ત પરાક્રમ

કૅપ્ટન, વિકેટકીપર અને ઓપનર તરીકે સેન્ચુરી કરનાર ક્વિન્ટન ડી કૉક બીજો પ્લેયર બન્યો હતો. આ પહેલાં ઍડમ ગિલક્રીસ્ટ ૨૦૦૬માં પર્થમાં શ્રીલંકા સામે ૧૧૬ રનની પારી રમી ચૂક્યો છે

ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમે ઇંગ્લૅન્ડ સામે પહેલી વન-ડેમાં સારું કમબૅક કર્યું છે. ઇંગ્લૅન્ડ સામે કૅપ ટાઉનમાં રમાયેલી પહેલી વન-ડેમાં સાઉથ આફ્રિકાની ટીમે ટેસ્ટ-સિરીઝની માફક પહેલી મૅચ જીતી લીધી છે. સાઉથ આફ્રિકાએ આ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. ૧૦૭ રનની શતકીય પારી રમનારા ક્વિન્ટન ડી કૉકને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઇંગ્લૅન્ડે ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૫૮ રન બનાવ્યા હતા. જો ડેન્લી સિવાય કોઈ પણ પ્લેયર હાફ સેન્ચુરી કરી શક્યો નહોતો. તેણે સૌથી વધારે ૮૭ રન બનાવ્યા હતા. ક્રિસ વોક્સ ૪૦ રન બનાવીને અને જેસન રૉય ૩૨ રન બનાવીને આઉટ થયો હતો. આ પ્લેયરો ઉપરાંત અન્ય કોઈ પ્લેયર ૨૦ રનનો આંકડો પાર કરી શક્યા ન હતા. તબરેઝ શ્મસીએ સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી.

બીજી ઇનિંગમાં ૨૫૯ રન ચૅઝ કરવા આવેલી સાઉથ આફ્રિકાની ટીમે ૨૫ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ક્વિન્ટન ડી કૉક અને ટેમ્બા બવુમાની બીજી વિકેટ માટે ૧૭૩ રનની ભાગીદારીએ ગેમ બદલી દીધી હતી. ડી કૉક ૧૦૭ રને આઉટ થયો હતો, જ્યારે બવુમા સેન્ચુરીથી બે રન ચૂકી ગયો હતો. આ મૅચ જીતી સાઉથ આફ્રિકાએ ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ લીધી છે. બીજી વન-ડે સાતમી ફેબ્રુઆરીએ ડરબનમાં રમાશે.

સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની હાઇસ્ટ પાર્ટનરશિપ

રન પ્લેયર સ્ટેડિયમ વર્ષ કઈ વિકેટ માટે
૨૩૯ હાશિમ આમલા - ક્વિન્ટન ડી કૉક સેન્ચુરિયન ૨૦૧૬ પહેલી
૧૭૩ ટેમ્બા બવુમા - ક્વિન્ટન ડી કૉક કૅપ ટાઉન ૨૦૨૦ બીજી
૧૭૨ (નૉટઆઉટ) ટેમ્બા બવુમા - એ.બી. ડિવિલિયર્સ નોટિંગહૅમ ૨૦૧૨ ચોથી
૧૫૬ એન્ડ્રુ હડસન - ગેરી કર્સ્ટન સેન્ચુરિયન ૧૯૯૬ પહેલી

હા, મારો કલર બ્લૅક છે અને મને ક્રિકેટ રમવું પસંદ છે : ટેમ્બા બવુમા

ટીમમાં કમબૅક કરી શાનદાર ૯૮ રનની ઇનિંગ રમનારા ટેમ્બા બવુમાનાં વખાણ દરેક જગ્યાએ થઈ રહ્યાં છે. કેટલાક સમય પહેલાં ખરાબ પર્ફોર્મન્સને લીધે તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો અને હવે તેની ઇનિંગની પ્રશંસા થઈ રહી છે. આ બાબતે ટેમ્બાએ કહ્યું હતું કે ‘આ ઘણી અઘરી વાત છે. જે પ્લેયરો સારું નથી રમતા તેને ડ્રોપ કરી દેવામાં આવે છે અને હું પહેલો પ્લેયર નથી જેને ડ્રોપ કરવામાં આવ્યો હોય. પરિવર્તનની ઘણી વાતો કરવામાં આવે છે, પરંતુ એ વચ્ચે મને જ્યારે ડ્રોપ કરી દેવામાં આવે છે ત્યારે વિચિત્ર લાગણીનો અનુભવ થાય છે. હા, મારો કલર બ્લૅક છે અને હું ક્રિકેટ રમું છું કારણ કે એ મને ગમે છે. હું હવે ટીમમાં છું કેમ કે ફ્રેન્ચાઇઝીની મૅચમાં અને નૅશનલ ટીમ માટે મેં સારું પર્ફોર્મ કર્યું હતું.’

sports news sports cricket news england south africa