બુમરાહની ફિટનેસ વિશે દ્રવિડ સાથે વાત કરશે સૌરવ ગાંગુલી

21 December, 2019 01:27 PM IST  |  Kolkata

બુમરાહની ફિટનેસ વિશે દ્રવિડ સાથે વાત કરશે સૌરવ ગાંગુલી

જસપ્રીત બુમરાહ

ઇન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નજીકના દિવસોમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાશે એવા સમાચાર વચ્ચે જાણવા મળ્યું છે કે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ) બુમરાહની ફિટનેસ ટેસ્ટ નહીં લે. આ વિશે વાત કરતાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘હું પહેલાં તો જાણવાનો પ્રયાસ કરીશ કે વાસ્તવિક કારણ શું છે. એનસીએ પાસે ઇન્ટરનૅશનલ ક્રિકેટરોનો પહેલો અને છેલ્લો પૉઇન્ટ હોય છે. મને સત્તા પર આવ્યાને હજી થોડો સમય જ થયો છે. હું આ બાબતે દ્રવિડ સાથે વાત કરીશ. અમે ઘણી ઓછી વાર મળ્યા છીએ છતાં અમે સમસ્યાનું સમાધાન વહેલી તકે લાવીશું. ઈજાગ્રસ્ત બુમરાહને જ્યારે એનસીએ મોકલવામાં આવ્યો ત્યારે હું આ સિસ્ટમનો ભાગ નહોતો, પણ હવે બધું જાણીને અમે ચોક્કસ પ્રૉબ્લમ સૉલ્વ કરવાનો પ્રયાસ કરીશું.’

ભુવનેશ્વર કુમારને હર્નિયા ડાયગ્નોસ થતાં પાછલા કેટલાક દિવસોમાં એનસીએના નિષ્ણાતોની યોગ્યતા પર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પ્લેયરોએ એનસીએમાં તપાસ માટે જવાની ના પાડી દીધી હતી. જોકે દ્રવિડ વિશે વાત કરતાં દાદાએ કહ્યું હતું કે ‘રાહુલ પાસેથી ઘણી આશા છે. તે એક જબરદસ્ત પ્લેયર છે, જેની પાસેથી પર્ફેક્શન અને કમિટમેન્ટની ઉમ્મીદ રાખી શકાય. અમે દરેક સમસ્યાનું સમાધાન લાવીશું. એનસીએને વધારે સારી રીતે ચલાવવા માટે અમે દ્રવિડને જવાબદારી સોંપી છે અને એને વધારવાનો પણ અમારો વિચાર છે. હું તેની સાથે અને ઑફિસ બેરર્સ સાથે પણ વાત કરીશ અને બનતા સુધી અઠવાડિયામાં તમને દરેક વાતની માહિતી મળી જશે.’

સિલેક્ટર્સ નક્કી કરવા બનશે સીએસી : સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે આગામી બે દિવસોમાં ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટી (સીએસી) બનાવી લેવામાં આવશે જેનું કામ સિલેક્ટર્સ નક્કી કરવાનું રહેશે અને તેઓ ત્રણ વર્ષ માટે સત્તા પર રહેશે. આ વિશે વાત કરતાં ગાંગુલીએ કહ્યું કે ‘આગામી દિવસોમાં સીએસસીની નિમણૂક કરી લેવામાં આવશે. હેડ કોચ નક્કી થઈ ગયા હોવાને લીધે તેમની મીટિંગ એક જ વખત મળશે જેમાં એ લોકો સિલેક્ટર્સ નક્કી કરશે.’

હાલની સિલેક્શન પૅનલમાંથી એમ.એસ.કે. પ્રસાદ અને ગગન ખોડાનો કાર્યકાળ પૂરો થવાની નજીક છે, જ્યારે જતીન પરાંજપે, સરનદીપ સિંહ અને દેવાંગ ગાંધીનો કાર્યકાળ સમાપ્ત થવામાં હજી એક વર્ષ બાકી છે. જોકે સીએસી સામે કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો મુદ્દો હજી ગાજેલો છે જેને લીધે ગાંગુલી સહિત સચિન તેન્ડુલકર અને વી.વી.એસ. લક્ષ્મણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

cricket news jasprit bumrah sourav ganguly rahul dravid sports news