ભારતીય ટીમમાં પસંદગી થયાના સમાચાર શુભમનને મધરાતે મળ્યા

14 January, 2019 12:04 PM IST  |  | Bipin Dani

ભારતીય ટીમમાં પસંદગી થયાના સમાચાર શુભમનને મધરાતે મળ્યા

સપનું થયું સાકાર: પપ્પા જસવિન્દર અને મમ્મી કિરત સાથે શુભમન ગિલ.

ન્યુ ઝીલૅન્ડના પ્રવાસ માટે શુભનમને પોતાની પસંદગીના સમાચાર શનિવારની મધરાતે મYયા હતા ત્યારે ભારે આશ્ચર્ય થયું હતું. પંજાબથી ‘મિડ-ડે’ જોડે ટેલિફોન પર વાતચીત કરતાં શુભમન ગીલે જણાવ્યું હતું કે ‘હું તો રોજ રાત્રે વહેલો સૂઈ જાઉં છું, પરંતુ શનિવારે રાત્રે કોણ જાણે મને ઊંઘ આવતી નહોતી એટલે રાત્રે સાડાબાર-એક વાગ્યાની આસપાસ સુવાની તૈયારી કરતો હતો ત્યારે અચાનક મારા ફોનની ઘંટડી રણકી. મારા મિત્રનો ફોન હતો અને ન્યુ ઝીલૅન્ડના પ્રવાસ માટે મારી પસંદગીના ગુડ ન્યુઝ તેણે ટેલિફોન પર આપ્યા ત્યારે તો હું સાચું માની શક્યો જ નહોતો અને મને ભારે આશ્ચર્ય થયું હતું. આ સમાચાર સંભળાવવા મારા પપ્પાને મધરાતે જગાડવાની લાલચ હું રોકી શક્યો નહીં.’

મહિલાઓ માટે અભદ્ર ભાષા વાપરનારા લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યાના સ્થાને ન્યુ ઝીલૅન્ડના પ્રવાસ માટે ૧૯ વર્ષના જમણેરી બૅટ્સમૅન શુભમનની પસંદગી થઈ છે. તેણે કહ્યું હતું કે ‘રાહુલ અને પંડ્યાને પડતા મૂકવામાં આવેલા ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણય માટે હું કશું કહી ન શકું, પરંતુ પસંદગીકારોએ મારા ગયા વર્ષના ન્યુ ઝીલૅન્ડના બે પ્રવાસ (અન્ડર-૧૯) અને ઇન્ડિયા-ખ્ના પ્રવાસ દરમ્યાનના મારા દેખાવના આધારે આ પસંદગી થતાં હું ભારે ખુશ થયો છું અને શ્રેષ્ઠ દેખાવ માટે હું પ્રયત્નશીલ રહીશ.’

શુભમનના પિતાજી લખવિન્દર સિંહ પણ સ્વાભાવિકપણે આ સમાચારથી ભારે ઉત્સાહિત બન્યા હતા. તેના પિતા પોતે ક્રિકેટર બનવા ચાહતા હતા, પરંતુ તેઓ આ રમત અપનાવી ન શક્યા. હવે જ્યારે પુત્રને રમવાનો મોકો મળ્યો છે ત્યારે તેમની ખુશીનો કોઈ પાર નથી. શુભમને કહ્યું હતું કે ‘મારા પિતા જ મારા કોચ છે. તેમણે આ રમતમાં મને સદાય પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. હું જે કંઈ પામી રહ્યો છું તે મારા પિતાને આધીન છે. મારા પિતા ખેતીવાડીની જમીન ધરાવે છે.

ખેતરમાં કેટલાક મજૂરોને બોલાવી મારી સામે બોલિંગ કરાવીને તેઓ મને બૅટિંગ-પ્રૅક્ટિસ આપતા હતા.’

લખવિન્દર સિંહે ‘મિડ-ડે’ સાથે ટેલિફોન પર વાતચીત કરતાં કહ્યું હતું કે ‘શુભમન ત્રણ વર્ષનો હતો ત્યારથી જ ક્રિકેટનો દીવાનો હતો. આ ઉંમરનાં બાળકો હાથમાં રમકડાં રાખીને ફરતાં, પરંતુ મારો પુત્ર રાત્રે સૂતી વખતે બૅટ અને બૉલ પોતાની પાસે રાખતો.’

શુભમનની મમ્મી કિરત ગિલ એક ગૃહિણી છે અને બહેન શહનીલ કૅનેડામાં અભ્યાસ કરે છે. શુભમને કહ્યું હતું કે ‘યસ, કૅનેડામાં મારી બહેનને મારી ટીમમાં પસંદગીના સમાચાર આપી દીધા ત્યારે તેણે મને મુબારકબાદી આપી અને ટીમમાં કાયમી સ્થાન મેળવવા શુભેચ્છા આપી છે.’

શુભમન બારમા ધોરણનો વિદ્યાર્થી છે. જોકે હવે તે સ્કૂલમાં ગયા વિના બહારથી પરીક્ષા આપવાનો પ્રયાસ કરે છે.

પદાર્પણ માટે ન્યુ ઝીલૅન્ડ કરતાં વધુ સારી જગ્યા બીજી કઈ હોઈ શકે : શુભમન ગિલ

ભારતીય ક્રિકેટનું ભિïવષ્ય ગણાતા શુભમન ગિલને નૅશનલ ટીમમાં અપેક્ષા કરતાં વહેલું સ્થાન મળ્યું છે. વળી ૧૨ મહિના પહેલાં ન્યુ ઝીલૅન્ડમાં રમાયેલા અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં જ્યાં તેનું નામ થયું હતું ત્યાં પહેલી મૅચ રમવા મળતાં તે ખુશ છે. અન્ડર-૧૯ કૅપ્ટન પૃથ્વી શૉ બાદ મોહાલીના આ ક્રિકેટરે પણ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. વળી ગયા મહિને ન્યુ ઝીલૅન્ડ ગયેલી ઇન્ડિયા-ખ્ ટીમમાં પણ તે હતો. શુભમન ગિલે કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડના પ્રવાસમાં મારી પસંદગી થતાં હું ખુશ છું. હું ત્યાં અન્ડર-૧૯ વર્લ્ડ કપ રમ્યો હતો. હવે મને આ મોટી તક મળી છે. મેં ત્યાં સારું પ્રદર્શન કર્યું હતું.’

બધા જાણતા હતા કે શુભમન ગિલને ભારતીય ટીમમાં સ્થાન મળશે, પરંતુ મોટે ભાગે વર્લ્ડ કપ બાદ. એ પહેલાં જ ટીમમાં સ્થાન મળતાં તે ઘણો ખુશ છે.

વાપસી માટે દ્રવિડને શ્રેય આપે છે વિજય શંકર

તામિલનાડુના ૨૭ વર્ષના ઑલરાઉન્ડર વિજય શંકરને ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરાયો છે. મહિલાઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરનારા હાર્દિક પંડ્યાને બદલે તેને ટીમમાં સ્થાન મળ્યું છે. ઑલરાઉન્ડર વિજય શંકરને શ્રીલંકામાં રમાયેલી વ્૨૦ નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય પ્રશંસકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો જેમાં તે મુસ્તફિઝુર રહમાનની બોલિંગ સમજી શક્યો નહોતો. પરંતુ મૅચ-ફિનિશર તરીકે એની ઉપયોગિતા પર રાહુલ દ્રવિડે વિશ્વાસ વ્યક્ત કરતાં તેનો આત્મવિશ્વાસ વધ્યો હોવાથી ભારતીય ટીમમાં તેને બીજી વખત તક મળી છે.

પોતાની પસંદગી પર વિજય શંકરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે હું માનસિક રીતે વધુ મજબૂત છું તેમ જ રોમાંચક મૅચને ટીમની તરફેણમાં લાવી શકું છું. રાહુલ સરે મને કહ્યું હતું કે મારી મૅચ-ફિનિશર તરીકેની ક્ષમતા પર ભરોસો છે. પાંચમા ક્રમે બૅટિંગ મારી રમત માટે અનુકુળ છે.’

આ પણ વાંચો : પંત વર્લ્ડ કપની ટીમનો ભાગ બનશે : પ્રસાદ

હાર્દિક અને રાહુલ બહાર, વિજય શંકર અને શુભમન ગિલને ટીમમાં મળ્યું સ્થાન

હાર્દિક પંડ્યાના સ્થાન પર ભારતીય ટીમમાં તામિલનાડુના ઑલરાઉન્ડર વિજય શંકરને ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં સ્થાન મળ્યું છે. તો યુવા બૅટ્સમૅન શુભમન ગિલને ૨૩ જાન્યુઆરીથી ન્યુ ઝીલૅન્ડમાં શરૂ થનારા પ્રવાસમાં પહેલી વખત ટીમમાં સ્થાન મળ્યું છે. શનિવારે રાત્રે ભારતીય ક્રિકેટ બોર્ડે આ ઘોષણા કરી હતી. વિજય શંકર ઍડીલેડમાં શરૂ થનારી બીજી વન-ડે પહેલાં ટીમ સાથે જોડાશે. કલકત્તાની ટીમના કૅપ્ટન દિનેશ કાર્તિક અને યુવરાજ સિંહે શુભમન ગિલ ભારતીય ટીમમાં જોડાશે એવી ભવિષ્યવાણી કરી હતી.

cricket news sports news