૪૧ વખતનું ચૅમ્પિયન મુંબઈ રણજી ટ્રોફીમાંથી બહાર

14 February, 2019 03:11 PM IST  | 

૪૧ વખતનું ચૅમ્પિયન મુંબઈ રણજી ટ્રોફીમાંથી બહાર

મૅચનો હીરો : પહેલી ઇનિંગ્સમાં વસિમ જાફરે બનાવ્યા શાનદાર ૧૭૮ રન.

ભારતની પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની ૪૧ વખતની ચૅમ્પિયન ટીમ મુંબઈનો ડિફેન્ડિંગ ચૅમ્પિયન વિદર્ભ સામે ગઈ કાલે નાગપુરમાં એક દાવ અને ૧૪૫ રનથી પરાજય થતાં ટુર્નામેન્ટમાંથી શરમજનક રીતે બહાર થઈ ગયું છે. મુંબઈને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે ‘આઉટરાઇટ વિજય’ની જરૂર હતી, પણ એક વખત નહીં, બન્ને ઇનિંગ્સમાં મુંબઈએ ખરાબ બૅટિંગ કરી હતી. છેલ્લી લીગ મૅચમાં જો મુંબઈ છત્તીસગઢ સામે જીતશે તો પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા માટે જરૂરી રૅટિંગ પૉઇન્ટ્સ મેળવી નહીં શકે. ક્વૉર્ટર ફાઇનલમાં એ અને બી - આ બન્ને ગ્રુપમાંથી ફક્ત પાંચ ટીમ ક્વૉલિફાય થશે.

મુંબઈએ ૬ વિકેટે ૧૬૯ના પાછલા દિવસના સ્કોરથી આગળ રમવાનું શરૂ કરતાં ધ્રુમિલ મટકર સિવાય કોઈ બૅટ્સમૅન ધીરજ બતાવી શક્યો ન હતો. ધ્રુમિલે નૉટઆઉટ ૬૨ રન બનાવ્યા હતા. ૫૧૧ રનનો જંગી સ્કોર બનાવનાર વિદર્ભના અક્ષય વખારેએ મુંબઈની પહેલી ઇનિંગ્સમાં ૮૫ રનમાં પાંચ વિકેટ લીધી હતી. ફૉલો-ઓન ઇનિંગ્સમાં ૨૯ વર્ષના લેગ-સ્પિનર આદિત્ય સરવટેએ ૪૮ રનમાં ૬ વિકેટ લઈને વિદર્ભનો આઉટરાઇટ વિજય આસાન બનાવ્યો હતો. તેણે પહેલી ઇનિંગ્સમાં ૩ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં ધ્રુમિલ ૩૬, શ્રેયસ અય્યર ૨૨, જય બિસ્ટા ૦, વિક્રાત ઓટી ૧, કૅપ્ટન સિધ્ધેશ લાડ ૬, શુભમ રાન્જાને ૧, ૨૦૧૬માં રણજી ટ્રોફી જીતી ચૂકેલો ભૂતપૂર્વ કૅપ્ટન આદિત્ય તારે ૧૫ અને શિવમ દુબે ૬ રન બનાવી શક્યા હતા. મુંબઈ ૩૪.૪ ઓવરમાં ફક્ત ૧૧૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. મુંબઈ વતી બે દશકા સુધી રમેલા ૪૦ વર્ષના વસીમ જાફરે ૧૭૮ રનની યાદગાર ઇનિંગ્સ રમીને જીતનો પાયો નાખ્યો હતો. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

નવી દિલ્હીના કર્નલ સિંહ સ્ટેડિયમમાં બરોડાએ રેલવેને ૧૬૪ રનથી હરાવ્યું હતું જેમાં કૃણાલ પંડ્યા બૅટ અને બૉલથી ઝળક્યો હતો.

અલુરમાં કર્ણાટકે છત્તીસગઢ સામે પહેલી ઇનિંગ્સમાં કીમતી લીડ લીધી હતી જેમાં રોનિટ મોરેએ પાંચ વિકેટ લીધી હતી.

પુણેમાં ગુજરાતે મહારાષ્ટ્ર સામે તોતિંગ લીડ લીધી હતી અને આઉટરાઇટ વિજયથી ૪ વિકેટ દૂર છે.

wasim jaffer ranji trophy vidarbha cricket news sports news mumbai ranji team