ઑલી પોપે હાફ સેન્ચુરી ફટકારીને સાઉથ આફ્રિકા સામે ભીડી બાથ

04 January, 2020 02:51 PM IST  |  Mumbai

ઑલી પોપે હાફ સેન્ચુરી ફટકારીને સાઉથ આફ્રિકા સામે ભીડી બાથ

ગુડ એફર્ટ્સ: પોતાના ટેસ્ટ કરીઅરની બીજી હાફ-સેન્ચુરી ફટકાર્યા બાદ દર્શકોનું અભિવાદન ઝીલતો ઑલી પોપ. તસવીર : પી.ટી.આઇ.

વિશ્વકપ ૨૦૧૯ની વિજેતા ટીમ ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાર ટેસ્ટ મૅચોની સિરીઝમાંની બીજી મૅચ ગઈ કાલે કેપ ટાઉનમાં શરૂ થઈ હતી જેમાં ટૉસ જીતીને મહેમાન ટીમે પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લૅન્ડની આખી ટીમ પહેલા દિવસે ૯ વિકેટ ગુમાવીને ૨૬૨ રન બનાવ્યા હતા. જોકે મિડલ ઑર્ડર બૅટ્સમૅન ઑલી પોપે યજમાન ટીમ સામે બાથ ભીડી હતી અને ટીમના સ્કોરને ૨૫૦નો  આંકડો પાર કરાવવામાં મદદ કરી હતી.

શરૂઆતથી ઇંગ્લૅન્ડ પર પ્રેશર બનાવવામાં સાઉથ આફ્રિકાની ટીમ સફળ રહી હતી અને મહેમાન ટીમ થોડા-થોડા સમયે વિકેટ ગુમાવતી રહી હતી. ગઈ કાલે રમાયેલી મૅચના પહેલા દિવસે બેન સ્ટોક્સે ૪૭ રન બનાવ્યા હતા, જ્યારે ડોમિનિક સિબલી, જો ડેન્લી અને જો રૂટ અનુક્રમે ૩૪, ૩૮ અને ૩૫ રન બનાવીને આઉટ થયા હતા. એકમાત્ર ઑલી પોપે સૌથી વધુ નાબાદ ૫૬ રન બનાવ્યા હતા અને તેની સાથે જેમ્સ ઍન્ડરસન ત્રણ રન બનાવીને ક્રીઝ પર મોજૂદ છે. આજના બીજા દિવસે આ બેલડી ટીમના સ્કોરમાં કેટલા વધારે રન જોડી શકે છે એ જોવાનું રહેશે.

સાઉથ આફ્રિકાના વર્નોન ફિલેન્ડર, કેગિસો રબાડા, એનરિચ નૉર્ટજે અને ડ્વાઇન પ્રિટોરિયસે બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ કેશવ મહારાજને મળી હતી.

south africa england cricket news sports news