વન-ડેમાંથી ધોની જલદી રિટાયર થઈ શકે છે : શાસ્ત્રી

10 January, 2020 04:08 PM IST  |  New Delhi

વન-ડેમાંથી ધોની જલદી રિટાયર થઈ શકે છે : શાસ્ત્રી

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રીનું કહેવું છે કે મહેન્દ્ર સિંહ ધોની વન-ડેમાં તેની કરીઅરનું વહેલી તકે ધી એન્ડ કરી શકે છે. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે આઇપીએલ બાદ ખબર પડશે કે ધોની ટી૨૦ માટે ફિટ છે કે નહીં. વર્લ્ડ કપ બાદ ધોની ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી બહાર જોવા મળી રહ્યો છે અને તે ફરી ક્યારે ટીમમાં જોવા મળશે એ વિશે ચર્ચા ચાલી રહી છે. આ વિશે પૂછતાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘મેં આ વિશે ધોની સાથે વાત કરી છે, પરંતુ એ વાત અમારા બન્ને વચ્ચેની છે. તેણે તેની ટેસ્ટ કરીઅરને સમાપ્ત કરી દીધી છે અને હવે તે વન-ડે ક્રિકેટને પણ બાય-બાય કહી શકે છે. આ ઉંમરે તે ફક્ત ટી૨૦ ફૉર્મેટમાં રમવા માગતો હોય એવું બની શકે. જોકે એને માટે તેણે રમવાનું ફરી શરૂ કરવું પડશે. તે આઇપીએલ રમશે અને તેની બૉડી શું રીઍક્ટ કરે છે એ પહેલાં ચેક કરશે. ધોનીની એક વાત ચોક્કસ છે કે તે ટીમમાં જબરદસ્તી નહીં રમે. જો આઇપીએલમાં તે અદ્ભુત રહે તો તેને કોઈ અટકાવી નહીં શકે.’

ચાર દિવસની ટેસ્ટની વાત નૉનસેન્સ છે : રવિ શાસ્ત્રી

ઇન્ડિયન કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે ચાર દિવસની ટેસ્ટ વાહિયાત વાત છે. આઇસીસી હવે ટેસ્ટને પાંચ દિવસને બદલે ચાર દિવસની રમાડવાનું પ્લાનિંગ કરી રહી છે. આ વિશે પૂછતાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘ચાર દિવસની ટેસ્ટ નૉનસેન્સ વાત છે. જો આ જ રીતે ચાલ્યું તો એક દિવસ લિમિટેડ ઓવરની ટેસ્ટ પણ આવી જશે. પાંચ દિવસની ટેસ્ટને છંછેડવાની જરૂર નથી. જો તેમણે એવું કરવું જ હોય તો ટૉપ સિક્સ ટીમ પાંચ દિવસની ટેસ્ટ રમશે અને બાકીની ૬ ટીમને ચાર દિવસની ટેસ્ટ રમવાની છૂટ આપી શકાય.’

cricket news sports news ravi shastri ms dhoni