મલિન્ગાએ ચાર બૉલમાં ચાર વિકેટ લઈને મચાવ્યો તરખાટ

07 September, 2019 03:04 PM IST  |  મુંબઈ

મલિન્ગાએ ચાર બૉલમાં ચાર વિકેટ લઈને મચાવ્યો તરખાટ

લસિથ મલિન્ગા

ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટી૨૦ મૅચ ગઈ કાલે પલ્લેકેલમાં રમાઈ હતી. આ મૅચમાં શ્રીલંકાએ ન્યુ ઝીલૅન્ડને ૩૭ રનથી માત આપી હતી અને ક્લીન સ્વીપ થતી બચાવી હતી. ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝમાં શ્રીલંકાની આ પ્રથમ જીત હતી, પરંતુ ન્યુ ઝીલૅન્ડે સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી.

આ મૅચ જીતીને ટીમના કૅપ્ટન લસિથ મલિન્ગાએ નવો રેકૉર્ડ પોતાને નામે કરી લીધો છે. ચાર બૉલમાં ચાર વિકેટ લઈને મલિન્ગાએ ન્યુ ઝીલૅન્ડની ટીમના પાયા હલાવી નાખ્યા હતા. આ ચાર વિકેટ સાથે ટી૨૦ મૅચમાં ૧૦૦ વિકેટ લેવાનું કીર્તિમાન પણ તેણે પોતાના નામે કરી લીધું છે.

શ્રીલંકાએ પહેલાં ટૉસ જીતીને બૅટિંગનો નિર્ણય લીધો હતો અને ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૨૫ રન કરી શકી હતી. દનુષ્કા ગુણાથિલકાએ સૌથી વધુ ૩૦ રન કર્યા હતા. મિચલ સેન્ટનર અને ટોડ એસ્લેએ ત્રણ-ત્રણ જ્યારે સ્કૉટ કુગજેલિજને એક વિકેટ લીધી હતી.

શ્રીલંકાએ આપેલા ૧૨૬ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમના પ્લેયરો મલિંગાની આક્રમક બોલિંગના શિકાર બન્યા હતા અને ૧૫ રનમાં ચાર વિકેટ ગુમાવી બેઠા હતા. તેમના ચાર પ્લેયરો ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનભેગા થઈ ગયા હતા. ટિમ સાઉધીએ ન્યુ ઝીલૅન્ડ વતી સૌથી વધારે નાબાદ ૨૮ રન કર્યા હતા. મલિન્ગાએ પાંચ, અકિલા ધનંજયે બે, જ્યારે લક્સન સંદકન અને વનિડુ હસરંગાએ એક-એક વિકેટ લીધી હતી.

પ્લેયર ઑફ ધ મૅચ લસિથ મલિન્ગાને જ્યારે પ્લેયર ઑફ ધ સિરીઝ ટિમ સાઉધીને આપવામાં આવ્યો હતો.

lasith malinga cricket news sports news new zealand sri lanka