ચાલો કરીએ DRS નો રિવ્યુ

16 March, 2019 06:58 PM IST  |  મુંબઈ | ઉમેશ દેશપાંડે

ચાલો કરીએ DRS નો રિવ્યુ

DRS System

હાલમાં જ ઓસ્ટ્રેલિયાએ ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. જ્યા બે ટી20 મેચની સીરિઝ 2-0થી અને પાંચ મેચની વન-ડે શ્રેણી 3-2થી ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી. પણ આ સીરિઝમાં દરમ્યાન એક વાત સામે આવી જે છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ બોર્ડ પણ તેનો વિરોધ કરી રહ્યું હતું. તે છે DRS. DRS સિસ્ટમમાં ઘણીવાર સવાલો ઉઠ્યા છે અને આ પ્રશ્ન આ સીરિઝ દરમ્યાન ભારતીય સુકાની વિરાટ કોહલીએ પણ ઉઠાવ્યો હતો. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વન-ડે બાદ આ સિસ્ટમની સાતત્યતા પર સવાલ ઊભો કર્યો હતો. તો જાણીએ આ રેફરલ સિસ્ટમ (DRS) નાં લેખાંજોખાં

BCCI DRS નો સતત વિરોધ કર્યો હતો
ભારતીય ક્રિકેટ ર્બોડે પણ ધોનીની કૅપ્ટન્સી દરમ્યાન સતત આ સિસ્ટમ સામે વિરોધ નોંધાવ્યો હતો. DRS સીસ્ટમનો સૌથી છેલ્લે ભારતીય ક્રિકેટ બોર્ડે સ્વીકાર કર્યો હતો અને તેના પર અમલ કર્યો હતો. આ સમયે ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં હતી.

જાણો, ઓસ્ટ્રેલિયા સામે ચોથી મેચમાં ક્યારે ઉઠ્યો DRS પર સવાલો

રવિવારે મોહાલીમાં રમાયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મૅચની સિરીઝની ચોથી મૅચમાં ઑસ્ટ્રેલિયાની બૅટિંગ વખતે ૪૪મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે એશ્ટન ટર્નરને બીટ કર્યો હતો. ટર્નર ફટકો મારવા માટે સહેજ આગળ વધતાં વિકેટકીપર રિષભ પંતે સ્ટમ્પિંગ કર્યું હતું. જોકે તે ક્રીઝની બહાર ગયો ન હોતો. બીજી તરફ પંતે પણ કૅચ માટે જ અપીલ કરી હતી. લેગ અમ્પાયરે સ્ટમ્પ આઉટ માટે થર્ડ અમ્પાયર પાસે રિવ્યુ માગ્યો. ટર્નર ક્રીઝની અંદર હોવાથી આઉટ ન હતો. પરંતુ અલ્ટ્રા એજમાં દેખાતું હતું કે બૉલ બૅટને અડીને ગયો હતો.

મૅચ હાર્યા બાદ સુકાની વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘DRS ની સાતત્યતા સામે અનેક મૅચોમાં સવાલ ઊભા થઈ રહ્યા છે. ટર્નર કૅચ આઉટ હોવા છતાં અમ્પાયરે તેને આઉટ ન આપ્યો એ આ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો.’

આ જ સિરીઝની બીજી મૅચમાં કુલદીપ યાદવની એક વિકેટને લઈને પણ DRS સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ ર્બોડે મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સી દરમ્યાન આ સિસ્ટમની ખામીને જોતાં એને અપનાવી નહોતી, પરંતુ કોહલીની કૅપ્ટન્સી દરમ્યાન આ સિસ્ટમને ભારતે પણ અપનાવી લીધી હતી. તો ચાલો આજે કરીએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ એટલે કે DRS નો રિવ્યુ.

શું છે DRS…?

મેદાનના અમ્પાયરોને સાચા નિર્ણય લેવામાં મદદરૂપ થવા માટે લેટેસ્ટ ટેક્નૉલૉજી પર આધારિત DRS નો ઉપયોગ કરવામાં આવે છે જેમાં મેદાનના અમ્પાયરો થર્ડ અમ્પાયર (જેને અમ્પાયર રિવ્યુ) સાથે વાત કરે છે. બીજી તરફ ખેલાડીઓ પણ મેદાનના અમ્પાયરોના નિર્ણય સામે વાંધો લાગતાં થર્ડ અમ્પાયરને આ નિર્ણય પર ફેરવિચારણા કરવા માટે કહે છે જેને પ્લેયર રિવ્યુ કહેવામાં આવે છે.

શેના આધારે લેવાય છે DRS?


એવી કઈ ટેકનિક છે જેના આધારે થર્ડ અમ્પાયર નિર્ણય લે છે એ વિશે જાણીએ...

૧. સ્લો-મોશન રિપ્લે (Slow Motion Reply)

૨. ઇન્ફ્રા-રેડ કૅમેરા (Infra Red Cameras)

૩. એજ ડિટેક્શન(Edge Detection)

૪. બૉલ ટ્રૅકિંગ (Ball Tracking)


ઉપરોક્ત તમામ લેટેસ્ટ ટેક્નૉલૉજીની મદદથી બૉલ બૅટને અડ્યો હતો કે નહીં એ ઇન્ફ્રા રેડ ફોટોના ટેમ્પરેચરમાં દેખાતો ફેરબદલ, અલ્ટ્રા સાઉન્ડ અને બૉલ ટ્રૅકિંગની મદદથી બૉલની દિશાનો સચોટ નિર્ણય લેવામાં આવે છે.

DRS નો ઇતિહાસ

આ પદ્ધતિનો ઉપયોગ પહેલાં ટેસ્ટ-ક્રિકેટમાં કરવામાં આવ્યો હતો. ૨૦૦૮માં ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટમાં એનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૦૯ની ૨૪ નવેમ્બરે ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ડનેડીનમાં રમાયેલી ટેસ્ટમાં સૌ પ્રથમ વખત એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વન-ડેમાં જાન્યુઆરી ૨૦૧૧માં ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ICC તમામ મૅચો માટે DRS નો ઉપયોગ ફરજિયાત રીતે કરવા માગતી હતી. પરંતુ ત્યાર બાદ તેણે બન્ને ટીમ જો તૈયાર હોય ત્યારે જ એનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. જોકે તમામ ICC ઇવેન્ટમાં આનો ઉપયોગ થતો આવ્યો છે.

કેટલા રિવ્યુ મળે?

ઑક્ટોબર ૨૦૧૩થી ટેસ્ટ મૅચની ૮૦ ઓવર બાદ દરેક ટીમને બે રિવ્યુ મળતા હતા. નવેમ્બર ૨૦૧૪થી ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે સિરીઝ દરમ્યાન ફીલ્ડ અમ્પાયર અને થર્ડ અમ્પાયર વચ્ચે થતી વાતચીત ટીવીના દર્શકો સાંભળી શકે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. વન-ડે મૅચમાં દરેક ટીમને બે રિવ્યુ મળે છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં ICC દ્વારા T20 ટુર્નામેન્ટમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૨૦૧૮માં રમાયેલી વિમેન્સ વર્લ્ડ T20 માં આનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સુપર લીગ ૨૦૧૭ના નૉકઆઉટ સ્ટેજમાં પ્રથમ વખત DRS નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઑક્ટોબર ૨૦૧૭માં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની T20 સિરીઝ દરમ્યાન પહેલી વખત આંતરરાષ્ટ્રીય મૅચમાં DRS નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૧૭ના નવા નિયમ મુજબ ટેસ્ટમાં દરેક ટીમને દરેક ઇનિંગ્સમાં માત્ર બે રિવ્યુ મળે છે. જો એ બન્ને ખોટા પડે તો બાદમાં રિવ્યુ નથી મળતા. જોકે ટીમ લેગબિફોર વિકેટના રિવ્યુમાં કોઈ પણ જાતનો રિવ્યુ ગુમાવતી નથી.

ICC = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ

DRS = ડિસિઝન રિવ્યુ સિસ્ટમ

cricket news sports news