કાર્તિકનું કમાલનું કમબૅક

24 May, 2022 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલની પહેલાં કૉમેન્ટરી કરતો ત્યારે કરીઅર પર ‘પૂર્ણવિરામ’ મુકાયેલું, પણ રવિવારે સિલેક્ટરોએ ટીમ ઇન્ડિયામાં પાછો લેવો પડ્યો

કાર્તિક કમાલ

આઇપીએલની વર્તમાન ૧૫મી સીઝન પહેલાં આંતરરાષ્ટ્રીય સિરીઝ દરમ્યાન વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે જ્યારે કૉમેન્ટરી-બૉક્સમાં આગમન કર્યું અને કૉમેન્ટરી આપવાની શરૂઆત કરી ત્યારે ટીવી-સ્ક્રીન પર તેના નામની સાથે ‘ભારત વતી રમ્યો ૨૦૦૪-૨૦૧૯’ એવું વાંચવા મળ્યું હતું. ત્યારે તેના મોટા ભાગના ચાહકોએ અને અનેક ક્રિકેટ-નિષ્ણાતો તથા ઘણા ક્રિકેટરોએ ધાર્યું હશે કે કાર્તિકની ઇન્ટરનૅશનલ કરીઅર પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. જોકે ખુદ કાર્તિક પચીસ વર્ષની કારકિર્દી પર પડદો પાડી દેવા તૈયાર નહીં જ હોય, કારણ કે તેનામાં અત્યારે સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાની પ્રબળ ઇચ્છાશક્તિ પહેલાં જેવી જ હશે.
૯ જૂનથી ટી૨૦ સિરીઝ
કાર્તિકે ત્રણ વર્ષે ટીમ ઇન્ડિયામાં કમબૅક કર્યું છે. રવિવારે સિલેક્ટરોએ કાર્તિકને આવતા મહિને (૯-૧૯ જૂન) સાઉથ આફ્રિકા સામે રમાનારી પાંચ મૅચની ટી૨૦ સિરીઝ માટેની ટીમમાં સમાવ્યો ત્યારે કાર્તિકનું ધૈર્ય ફળ્યું હતું અને તેના કમબૅકની આશા રાખીને બેઠેલાઓ ખુશખુશાલ થઈ ગયા હશે. કે. એલ. રાહુલના નેતૃત્વમાં જાહેર કરાયેલી ૧૮ પ્લેયર્સની ટીમમાં યુવા ખેલાડીઓમાં ફાસ્ટ બોલર ઉમરાન મલિક તથા અર્શદીપ સિંહ મુખ્ય આકર્ષણો છે, જ્યારે દિનેશ કાર્તિક સેન્ટર ઑફ અટ્રૅક્શન છે.
બૅન્ગલોરનો બળિયો
પહેલી જૂને ૩૭ વર્ષનો થનાર કાર્તિકે આ વખતે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી ધમાકેદાર પર્ફોર્મ કર્યું છે અને આ ટીમ અન્ય ટીમોના નબળા દેખાવને પગલે આઠમી વાર પ્લે-ઑફમાં પહોંચવામાં સફળ રહી એમાં કાર્તિકનું મોટું યોગદાન છે. તે ૧૪માંથી ૯ મૅચમાં અણનમ રહ્યો છે, ૫૭.૪૦ની બૅટિંગ-ઍવરેજ બૅન્ગલોરના તમામ બૅટર્સમાં બેસ્ટ છે, તેનો ૧૯૧.૩૩નો સ્ટ્રાઇક-રેટ પણ સર્વશ્રેષ્ઠ છે અને તેની ૨૧ સિક્સર બૅન્ગલોરના બૅટર્સમાં હાઇએસ્ટ છે.

sports news cricket news