ન્યુ ઝીલૅન્ડે બનાવ્યા ટેસ્ટમાં પહેલી વખત 700 રન, ઇનિંગ્સ જીતની લગોલગ

03 March, 2019 09:36 AM IST  | 

ન્યુ ઝીલૅન્ડે બનાવ્યા ટેસ્ટમાં પહેલી વખત 700 રન, ઇનિંગ્સ જીતની લગોલગ

યાદગાર ક્ષણ : ટેસ્ટ કરીઅરની સેકન્ડ ડબલ સેન્ચુરી પૂરી કર્યા બાદ કિવી કૅપ્ટન કૅન વિલિયમસન.

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કૅન વિલિયમસનના ૨૫૭ બૉલમાં નૉટઆઉટ ૨૦૦ રન પછી ટ્રેન્ટ બોલ્ટ સહિત અન્ય બોલરોએ હૅમિલ્ટન ટેસ્ટના ત્રીજા દિવસના અંતે બંગલા દેશના ૧૭૪ રનના સ્કોરમાં ૪ વિકેટ લઈને એક ઇનિંગ્સના આસાન વિજય તરફ આગેકૂચ કરી હતી. યજમાન ટીમે બીજા દિવસના ૪ વિકેટે ૪૫૧ રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કરતાં કૅપ્ટન કૅન વિલિયસમને શાનદાર અટૅકિંગ ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેને નાઇટ-વૉચમૅન નીલ વેગનરનો આક્રમક સાથ મળ્યો હતો, જેણે ૩૫ બૉલમાં ૬ ફોર અને ૩ સિક્સની મદદથી ૪૭ રન બનાવ્યા હતા. વોટલિંગે ૩૧ રન બનાવ્યા પછી કૉલિન ડિ ગ્રૅન્ડહોમે ૫૩ બૉલમાં ૪ ફોર અને ૫ સિક્સની મદદથી નૉટઆઉટ ૭૬ રન બનાવીને પોતાની ટીમને ૭૦૦ના જાદુઈ ટોટલ પર પહોંચાડ્યો હતો.

આ પણ વાંચો : ભારતીય બોલર્સની ચુસ્ત બોલિંગ, જીત માટે 237 રનનો ટાર્ગેટ

આ પહેલાં બીજા દિવસે ગુજરાતમાં જન્મેલા ન્યુ ઝીલૅન્ડના ઓપનર જીત રાવલે મેઇડન ટેસ્ટ-સેન્ચુરી ફટકારીને ભારત સિવાયની કોઈ ટીમ વતી ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર પહેલા ગુજરાતી બનવાનું માન મેળવ્યું હતું. તેણે ટૉમ લૅથમ સાથે ઓપનિંગ વિકેટ માટે ૨૫૪ રન ઉમેરીને બંગલા દેશ સામે હાઇએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનો નવો રેકૉર્ડ કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડની પહેલી ઇનિંગ્સમાં જીત રાવલે ૧૩૨, ટૉમ લૅથમે ૧૬૧, કૅપ્ટન કૅન વિલિયમસને નૉટઆઉટ ૨૦૦, હેન્રી નિકોલ્સે ૫૩ રન બનાવ્યા હતા. ટૉસ જીતીને ન્યુ ઝીલૅન્ડે બંગલા દેશને ૨૩૪ રનમાં ઑલઆઉટ કર્યું હતું, જેમાં નીલ વેગનરે પાંચ વિકેટ લીધી હતી.

kane williamson sports news cricket news new zealand bangladesh