સિક્યૉરિટીના માણસો ક્રાઉડને જોવાને બદલે મૅચ જોતા હતા : ગાવસકર

13 October, 2019 01:37 PM IST  |  પુણે

સિક્યૉરિટીના માણસો ક્રાઉડને જોવાને બદલે મૅચ જોતા હતા : ગાવસકર

સુનીલ ગાવસકર

ગઈ કાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે જ્યારે સાઉથ આફ્રિકાના પ્લેયર રમી રહ્યા હતા ત્યારે અચાનક એક ફૅન સિક્યૉરિટી તોડીને મેદાનમાં ઘૂસી આવવાની ઘટના બની હતી જેને લીધે એ સમયે કૉમેન્ટરી પૅનલમાં બેઠેલા ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર સુનીલ ગાવસકર ભડક્યા હતા. 

જ્યારે સેનુરન મુથ્થુસ્વામી આઉટ થયો અને તેની જગ્યાએ વર્નોન ફિલૅન્ડરે મેદાનમાં એન્ટ્રી કરી હતી ત્યારે રોહિત શર્માનો એક ચાહક અચાનક મેદાનમાં ઘૂસી આવ્યો હતો અને તેને પગે લાગ્યો હતો. આ ઘટનાને લીધે ભડકેલા ગાવસકરે કહ્યું હતું કે ‘આ ઘટના એટલા માટે બની, કેમ કે ત્યારે સિક્યૉરિટીના માણસો ક્રાઉડને જોવાને બદલે મૅચ જોઈ રહ્યા હતા. ભારતમાં આ કાયમની તકલીફ છે. સિક્યૉરિટીના માણસોને મફતમાં મૅચ જોવા નથી રાખવામાં આવતા. તેમને એના માટે રાખવામાં આવે છે કે આવી ઘટના ન બને.’

પોતાની વાતને વધુ વિસ્તારપૂર્વક જણાવતાં ગાવસકરે કહ્યું કે ‘મારું કહેવું છે કે સિક્યૉરિટી પર કૅમેરા રાખો અને તપાસો કે તેઓ ક્રાઉડને સંભાળે છે કે મૅચ જુએ છે. સિક્યૉરિટીની બાબતે આ એક ગંભીર ઘટના છે અને આવી ઘટના અટકાવવાનું કામ તેમનું છે. કોઈ પણ વ્યક્તિ મેદાનમાં ઘૂસી આવીને આ રીતે પ્લેયરને તકલીફ પહોંચાડી શકે છે. આવા કિસ્સા અગાઉ પણ થઈ ચૂક્યા છે, તો શા માટે જોખમ લેવું.’

સાઉથ આફ્રિકાના આ ભારતીય પ્રવાસ દરમ્યાન કોઈ ચાહકે સિક્યૉરિટી તોડી મેદાનમાં પ્રવેશવાનો કે મૅચ દરમ્યાન પ્લેયરને મળવાનો આ ત્રીજો કિસ્સો છે.

sunil gavaskar cricket news sports news