IND vs AUS: આજે અંતિમ વન ડે, રાજધાનીમાં રાજ કરશે ટીમ ઇન્ડિયા?

13 March, 2019 02:49 PM IST  | 

IND vs AUS: આજે અંતિમ વન ડે, રાજધાનીમાં રાજ કરશે ટીમ ઇન્ડિયા?

ટીમ ઈન્ડિયાએ નથી કરી પ્રેક્ટિસ

ચોથી વન-ડેમાં ખરાબ બોલિંગ અને ફીલ્ડિંગ કરીને ૩૫૯ રન ડિફેન્ડ ન કરી શકનાર ટીમ ઇન્ડિયાએ ભારતની રાજધાની દિલ્હીના ફિરોઝશા કોટલા ગ્રાઉન્ડમાં મજબૂત થઈ રહેલી ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતવા માટે બેસ્ટ પર્ફોર્મન્સ આપવો પડશે. વલ્ર્ડ ક્રિકેટે ભારતના વર્તમાન બોલિંગ અટૅકનાં ઘણાં વખાણ કયાર઼્ છે છતાં રવિવારે જસપ્રીત બુમરાહની બોલિંગમાં ફક્ત બીજી વન-ડે રમી રહેલા એશ્ટન ટર્નરે આરામથી બાઉન્ડરીઓ ફટકારીને સિરીઝ લેવલ કરાવી હતી. રાંચીમાં કૅપ્ટન કોહલીએ પહેલાં બોલિંગ અને મોહાલીમાં નમીની શક્યતાને ધ્યાનમાં રાખીને પહેલાં બૅટિંગ કરી હતી. જોકે બન્ને મૅચમાં પરિણામ ભારતની ફેવરમાં આવ્યું નહોતું. ભારતે ગ્લેન મૅક્સવેલ, પીટર હેન્ડ્સ્કૉમ્બ, ઉસ્માન ખ્વાજા, માર્કસ સ્ટોઇનિસને વહેલા આઉટ કરવા પડશે.

પિચ નીચી અને સ્લો રહેશે

ફિરોઝશા કોટલા ગ્રાઉન્ડની પિચ સામાન્ય રીતે નીચી અને સ્લો હોય છે. જોકે આ વન-ડે સિરીઝની નિર્ણાયક મૅચ છે એટલે ક્યુરેટર કોઈ સરપ્રાઇઝ આપે તો નવાઈ નહીં. આ ગ્રાઉન્ડમાં રમાયેલી છેલ્લી બે વન-ડેમાં વધુ રન નહોતા થયા. છેલ્લી વન-ડે ઑક્ટોબર ૨૦૧૬માં ન્યુ ઝીલૅન્ડ સામે રમાઈ હતી જેમાં ભારતનો ૬ રનથી પરાજય થયો હતો. અહીંની પિચ કાંડાના સ્પિનરો માટે લાભદાયક છે એથી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પાસે કમાલ કરવાનો મોકો છે.

વર્લ્ડ કપના સંભવિતો માટે છેલ્લો ચાન્સ

વિજય શંકરને જેટલી તક મળી હતી એમાં તેણે બૅટથી સારો પર્ફોર્મન્સ કર્યું છે. બૅટથી ઇમ્પ્રેસ કરનારા રિષભ પંતે વિકેટ-કીપિંગમાં ઘણી ભૂલ કરી હતી. રવીન્દ્ર જાડેજા પ્લેઇંગ ઇલેવનમાં રમે એવી પૂરી શક્યતા છે અને તેણે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન પામવા સ્પેશ્યલ પર્ફોર્મન્સ આપવો પડશે.

આ પણ વાંચોઃ IND VS AUS: સિરીઝ બચાવવા ભારતીય ટીમ પાસે છેલ્લો મોકો

યુવાન પંતની ધોની સાથે સરખામણી અનફેર : બોલિંગ-કોચ ભરત અરુણ

ભારતના બોલિંગ-કોચ ભરત અરુણે મીડિયાને કહ્યું હતું કે ‘મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંતની સરખામણી ન કરવી જોઈએ. ધોની લેજન્ડ છે, સ્ટમ્પ પાછળ તેની ચપળતા શાનદાર છે. જ્યારે વિરાટને એક્સપર્ટ સલાહની જરૂર પડે છે ત્યારે ધોનીની સલાહ હંમેશાં કામ આવે છે. વિજય શંકરે ગજબનો કૉન્ફિડન્સ મેળવ્યો છે. તે ૪, ૬ અને ૭મા ક્રમે બૅટિંગ કરીને સારો સ્કોર બનાવી ચૂક્યો છે. તે ૧૨૦-૧૨૫ની સ્પીડે બોલિંગ કરે છે અને ૧૩૦ને ટચ કરી ચૂક્યો છે. તે ટીમ માટે ઘણો લાભદાયક સાબિત થયો છે.’

team india sports news cricket news