ધોની જેવો મૅચ-ફિનિશર બનવા માગું છું: ઍલેક્સ કૅરી

13 January, 2020 12:20 PM IST  |  Mumbai Desk

ધોની જેવો મૅચ-ફિનિશર બનવા માગું છું: ઍલેક્સ કૅરી

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વિકેટકીપર અને વન-ડે ટીમના વાઇસ કૅપ્ટન ઍલેક્સ કૅરીનું કહેવું છે કે હું ભારતીય ક્રિકેટ ટીમના સફળ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પાસેથી શક્ય હોય એટલું શીખી લેવા માગું છું. બિગ બૅશ લીગમાં ઍલેક્સ ચોથા ક્રમે બૅટિંગ કરે છે અને આગામી દિવસોમાં પણ તે આ ક્રમે રમવા ઇચ્છે છે. આ ઉપરાંત તેની ઇચ્છા છે કે જે પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોની એક સારા ફિનિશર તરીકે ઓળખાય છે એ પ્રમાણે તે પોતે પણ ભવિષ્યમાં સારા ફિનિશર તરીકે ઓળખાણ બનાવવા માગે છે.

ઉક્ત બાબતે વાત કરતાં ઍલેક્સે કહ્યું કે ‘જ્યારે તમે વર્લ્ડ બેસ્ટ એમ. એસ. ધોનીને જુઓ છો ત્યારે તેની પાસેથી શક્ય એટલું શીખી લેવા માગો છો. હું ખરેખર ભાગ્યશાળી છું કે ગયા વર્ષે મને તેની સામે રમવાની તક મળી. તે ઇન્ડિયન ટીમને જિતાડવા જે પ્રમાણે વિચારે છે અને રમે છે એ ખરેખર અદ્ભુત છે. હું પણ ઇચ્છું છું કે એક દિવસ તેના જેવી સફળતા પ્રાપ્ત કરું.’
ધોની પાસેથી કશુંક શીખવાની ધગશ રાખવાની સાથે ઍલેક્સનું માનવું છે કે ઑસ્ટ્રેલિયન ટીમ માટે તે પાંચમા, છઠ્ઠા અથવા સાતમા ક્રમે રમવા તૈયાર છે, કારણ કે આ એવો ક્રમ છે જ્યાંથી રમીને તે ટીમને જીત અપાવી શકે છે.

cricket news sports news sports