ઇંગ્લૅન્ડ-સાઉથ આફ્રિકા વન-ડે સિરીઝ ટાઇ

10 February, 2020 05:10 PM IST  |  Mumbai Desk

ઇંગ્લૅન્ડ-સાઉથ આફ્રિકા વન-ડે સિરીઝ ટાઇ

ક્વિન્ટન ડી કૉક બોલ્ડ થયો હતો, સ્તન કૅન્સર વિશે જાગરૂકતા ફેલાવવા સાઉથ આફ્રિકન ટીમ ગઈ કાલની મૅચમાં પિન્ક કલરની જર્સી પહેરીને મેદાનમાં રમવા ઊતરી હતી.

ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે મૅચ ઇંગ્લૅન્ડે બે વિકેટે જીતી લીધી હતી. આ મૅચ જીતવાની સાથે ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી ટાઇ થઈ હતી. બીજી વન-ડે વરસાદને કારણે રમી શકાઇ નહોતી. પહેલી મૅચ સાઉથ આફ્રિકા સાત વિકેટે જીત્યું હતું.
ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો અને ૫૦ ઓવરમાં સાઉથ આફ્રિકા ૭ વિકેટે ૨૫૬ રન બનાવી શક્યું હતું. ક્વિન્ટન ડી કૉક ૬૯ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ડેવિડ મિલર ૬૯ રન બનાવીને છેલ્લે સુધી નૉટઆઉટ રહ્યો હતો. આદિલ રશિદે ૧૦ ઓવરમાં ૫૧ રન આપી ત્રણ વિકેટ લીધી હોવાથી તેને પ્લેયર ઑફ ધ મૅચ અને શાનદાર બૅટિંગ કરનાર ક્વિન્ટન ડી કૉકને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
સામા પક્ષે ઇંગ્લૅન્ડે ૮૬ રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પણ ચોથી વિકેટ માટે ૭૬ અને પાંચમી વિકેટ માટે ૭૦ રનની પાર્ટનરશિપ કરવામાં સફળ રહી હતી. જો ડેન્લી સૌથી વધારે ૬૬ રન બનાવીને આઉટ થયો હતો. જો રૂટ અને જૉની બેરસ્ટો પોતપોતાની હાફ સેન્ચુરી અનુક્રમે એક અને સાત રને ચૂકી ગયા હતા. બ્યુરન હૅન્ડ્રિક્સે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડે ૪૩.૨ ઓવરમાં આઠ વિકેટે ૨૫૭ રન કરી મૅચ જીતી સિરીઝ ૧-૧થી બરાબર કરી દીધી હતી.
બન્ને ટીમ વચ્ચે હવે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ ૧૨ ફેબ્રુઆરીથી રમાશે.

cricket news sports sports news