ગેઇલને જીત સાથે વિદાય આપવા વેસ્ટ ઇન્ડીઝ કરશે મરણિયો પ્રયાસ

14 August, 2019 01:57 PM IST  |  પોર્ટ ઑફ સ્પેન

ગેઇલને જીત સાથે વિદાય આપવા વેસ્ટ ઇન્ડીઝ કરશે મરણિયો પ્રયાસ

ગેઇલ

વેસ્ટ ઇન્ડીઝની ટીમને ૩-૦થી માત આપી ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ પોતાના નામે કરવામાં ભારતની ટીમ સફળ રહી હતી. ફરી એક વાર વેસ્ટ ઇન્ડીઝની ટીમને ત્રણ વન-ડે મૅચોની સિરીઝમાં હરાવવાની ભારત પાસે સુવર્ણ તક છે. આજે ક્વિન્સ પાર્ક ઓવલમાં બન્ને ટીમો વચ્ચેની છેલ્લી વન-ડે મૅચ રમાશે જેમાં ટીમ ઇન્ડિયાના વિજયરથને અટકાવવાનો વેસ્ટ ઇન્ડીઝની ટીમ મરણિયો પ્રયાસ કરશે. પહેલી વન-ડે મૅચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ બીજી વન-ડે મૅચ ભારતે ડીઆરએસ મેથડ વડે ૫૯ રનથી જીતી હતી. આજની ત્રીજી મૅચમાં ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન પર સૌની નજર રહેશે કેમ કે બીજી મૅચમાં તે માત્ર બે રન કરી પૅવિલિયન ભેગો થઈ ગયો હતો અને જોઈતું પર્ફોર્મ કરી શક્યો નહોતો.

સામા પક્ષે આ મૅચ વેસ્ટ ઇન્ડીઝના યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલની છેલ્લી વન-ડે મૅચ છે. વર્લ્ડ કપ દરમ્યાન તેણે જણાવ્યું હતું કે ભારત સામેની સિરીઝ તેની છેલ્લી સિરીઝ હશે. ગઈ મૅચમાં બ્રાયન લારાનો વેસ્ટ ઇન્ડીઝની ટીમ વતી સૌથી વધારે મૅચ રમવાનો અને ટીમ વતી સૌથી વધારે રન કરવાનો એમ બેવડો રેકૉર્ડ તોડનારા ગેઇલને તેના સાથી પ્લેયરો જીત સાથે વિદાય આપવા ચોક્કસ પ્રયાસ કરશે.

આ ઉપરાંત ટીમ ઇન્ડિયા આજે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં અને ચોથા ક્રમે શ્રેયસ અય્યર અને રિષભ પંતમાંથી કોને મોકલવો એ પ્રશ્ન હજી પણ ઇન્ડિયન ટીમ માટે માથાનો દુખાવો છે. પંત તેના સ્વભાવ અને ગુસ્સાને કારણે જલદી વિકેટ ખોઈ બેસે છે અને ચાર નંબરની પૉઝિશન ખૂબ જ મહત્ત્વની છે. શ્રેયસે ૭૧ રન કરીને આ નંબર માટે પોતાની દાવેદારીને મજબૂત કરી દીધી છે. સુનીલ ગાવસકરે પણ શ્રેયસને નંબર ચાર પર અને પંતને પાંચ નંબર પર મોકલવાનું કહ્યું હતું.

આ વન-ડે બાદ ૨૨ ઑગસ્ટથી બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ કરવામાં આવશે.

લારાએ રેકૉર્ડ તોડવા બદલ ગેઇલને આપ્યાં અભિનંદન

ભારત સામેની બીજી વન-ડેની મૅચ ભલે વેસ્ટ ઇન્ડીઝ હારી ગઈ હોય, પણ આ મૅચ ઐતિહાસિક રૂપે યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલના નામે રહી. આ મૅચમાં તેણે માત્ર ૧૧ રન કર્યા હતા, પણ આટલા રન કરવા છતાં તેણે એક નહીં, બે મોટા રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા જેના માટે ખુદ બ્રાયન લારાએ તેને શુભેચ્છા પાઠવી હતી.

ભારત સામેની એ બીજી વન-ડે મૅચ ગેઇલની ૩૦૦મી વન-ડે મૅચ હતી જે વેસ્ટ ઇન્ડીઝની ટીમના કોઈ પણ પ્લેયર થકી રમાયેલી સૌથી વધારે મૅચ છે. આ ઉપરાંત આ મૅચમાં તેણે બ્રાયન લારાનો જ સૌથી વધારે રનનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. લારાએ વન-ડેમાં કુલ ૨૯૯ મૅચ રમી હતી અને કુલ ૧૦,૪૦૫ રન કર્યા હતા, જ્યારે ગેઇલે તેનો રોકૉર્ડ તોડી ૩૦૦ મૅચ રમી અને ૧૦,૪૦૮ રન કર્યા હતા.

ગેઇલની આ ઉપલબ્ધિ પર ખુદ લારાએ તેને સાદગીપૂર્ણ રીતે અભિનંદન આપતાં ટ્વીટ કર્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ વતી સૌથી વધારે ઓડીઆઇ રમવા બદલ ક્રિસ ગેઇલને અભિનંદન.

આ પણ વાંચો : ગુજરાતનું ગૌરવઃઆણંદની યુવતીએ ચીનમાં શૂટિંગમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

આ ઉપરાંત આજની મૅચ ગેઇલની છેલ્લી વન-ડે મૅચ છે અને ટેસ્ટ મૅચમાં લાંબા સમયથી ન રમી રહ્યો હોવાથી ભારત સામેની ટેસ્ટ મૅચની સિરીઝમાં તેને સ્થાન આપવામાં નથી આવ્યું.

chris gayle brian lara west indies cricket news sports news