તમને રમવા માટે નહીં, પણ જીતવા માટે જ રૂપિયા ચૂકવવામાં આવે છે : સ્મિથ

14 February, 2019 02:14 PM IST  | 

તમને રમવા માટે નહીં, પણ જીતવા માટે જ રૂપિયા ચૂકવવામાં આવે છે : સ્મિથ

માર્ચ મહિનામાં પાકિસ્તાન સામે થનારી વન-ડે સિરીઝથી સ્મિથની ઑસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી થશે.

ઑસ્ટ્રેલિયાના પ્રતિબંધિત ખેલાડી સ્ટીવન સ્મિથે કહ્યું હતું કે ‘કોઈ પણ ભોગે જીત મેળવવાના ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પદાધિકારીઓ જેમ્સ સધરલૅન્ડ અને પૅટ હાવર્ડના દબાણને કારણે બૉલ-ટૅમ્પરિંગ જેવી ઘટના બની હતી. સ્મિથ પર તેની ભૂમિકાને કારણે એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની કોઈ પણ ભોગે જીત મેળવવાની નીતિ પર સમીક્ષા કરવામાં આવી હતી.

ગઈ કાલે સ્મિથે ઍડમ ગિલ્ક્રિસ્ટને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘નવેમ્બર ૨૦૧૬માં હોબાર્ટમાં અમે સાઉથ આફ્રિકા સામે હાર્યા હતા. શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ હાર્યા બાદ ટેસ્ટમાં અમે સતત પાંચમી મૅચ હાર્યા હતા. મને યાદ છે કે ત્યારે જેમ્સ સધરલૅન્ડ અને પૅટ હાવર્ડ અમારી રૂમમાં આવ્યા હતા અને કહ્યું, અમે તમને રમવા માટે નહીં, પણ જીતવા માટે રકમ ચૂકવીએ છીએ. આ વાતથી હું ઘણો નિરાશ થયો હતો.’

આ ઘટના બાદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના CEO પદ પરથી જેમ્સ સધરલૅન્ડે રાજીનામું આપ્યું હતું તો એક સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ બાદ ટીમ પર્ફોર્મન્સ હેડ પદેથી પૅટ હાવર્ડની હકાલપટ્ટી કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત તો એ હતી કે બૉલ સાથે ચેડાં કરવાના કૌભાંડ બાદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની સમિતિમાં હાવર્ડ એક સભ્ય તરીકે હતો. સ્મિથે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના કલ્ચર વિશે વાત કરીએ તો થોડા સમય પહેલાં જ ઍશિઝમાં અમે

ઇંગ્લૅન્ડ સામે જીત્યા હતા ત્યારે બધાને બરાબર લાગ્યું હતું, પરંતુ જેવા અમે હાર્યા કે તરત જ ચિત્ર ઝડપથી બદલાયું. જોકે અંગત રીતે મને સંસ્કૃતિ બહુ જ ખરાબ હોય એવું નથી લાગ્યું.’

માર્ચ મહિનામાં પાકિસ્તાન સામે થનારી વન-ડે સિરીઝથી સ્મિથની ઑસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી થશે.

વૉર્નરે જ મને બૉલ સાથે ચેડાં કરવા માટે ઉશ્કેર્યો : બૅનક્રૉફ્ટ


ઑસ્ટ્રેલિયાના પ્રતિબંધિત ક્રિકેટર કૅમરન બૅનક્રૉફ્ટે કહ્યું હતું કે ‘ડેવિડ વૉર્નરે જ કૅપટાઉન ટેસ્ટમાં મને બૉલ સાથે ચેડાં કરવા કહ્યું હતું કે આ કામ તેણે ટીમમાં પોતાની ઉપયોગિતા સાબિત કરવા માટે કર્યું હતું. માર્ચ મહિનામાં કૅપટાઉનમાં રમાયેલી મૅચમાં બૅનક્રૉફ્ટ બૉલને સૅન્ડ પેપર ઘસતો દેખાયો હતો. ત્યાર બાદ તેના પર નવ મહિના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો પ્રતિબંધ મુકાયો હતો. બૅનક્રૉફટ પરનો પ્રતિબંધ આ અઠવાડિયામાં પૂરો થશે. તેણે કહ્યું હતું કે ‘સમગ્ર ઘટના માટે હું પણ જવાબદાર છું, કારણ કે એ સમયે મને પણ આ જ યોગ્ય લાગ્યું હતું. આ ભૂલની મેં બહુ મોટી કિંમત ચૂકવી. મારી પાસે વિકલ્પ હતો, પણ મેં ભૂલ કરી.’

steve smith australia cricket news sports news