ભારતને ત્રણ વિકેટથી હરાવીને અન્ડર-૧૯ વર્લ્ડ ચૅમ્પિયન બન્યું બંગલા દેશ

10 February, 2020 04:46 PM IST  |  Mumbai Desk

ભારતને ત્રણ વિકેટથી હરાવીને અન્ડર-૧૯ વર્લ્ડ ચૅમ્પિયન બન્યું બંગલા દેશ

ઇન્ડિયા-બંગલા દેશ વચ્ચે રમાયેલી અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ગઈ કાલે રસપ્રદ બની રહી હતી. બંગલા દેશ ગઈ કાલે પહેલી વાર અન્ડર-૧૯ વર્લ્ડ કપ જીત્યું હતું. એણે ઇન્ડિયાને ત્રણ વિકેટે મહાત આપી હતી. મેઘરાજા થોડા સમયે વિલન બન્યા હોવાને લીધે ડકવર્થ લુઇસ મેથડના આધારે બંગલા દેશની ઇનિંગ ૪૬ ઓવરની કરવામાં આવી હતી એને ૩૦ બૉલમાં ૭ રનનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેમણે સહેલાઈથી મેળ‍વી લીધો હતો.

બંગલા દેશે ટૉસ જીતીને ભારતને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર યશસ્વી જયસ્વાલ ફરી એક વાર ટીમ માટે સારો સ્કોર બનાવી શક્યો હતો અને ૮૮ રન કરીને આઉટ થયો હતો. વન-ડાઉન આવેલા તિલક શર્મા અને વિકેટકીપર ધ્રુવ જુરેલ અનુક્રમે ૩૮ અને ૨૨ રન કરી શક્યા હતા. આ ત્રણ પ્લેયર સિવાય ટીમનો અન્ય કોઈ પણ પ્લેયર ડબલ આંકડો પાર કરી શક્યો નહોતો અને આખી ટીમ ૪૭.૨ ઓવરમાં માત્ર ૧૭૭ રન કરીને પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. અવિષેક દાસે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. જોવા જેવું છે કે ૧૫૬ પર ૪ વિકેટે રમી રહેલી ભારતીય ટીમ માત્ર ૨૧ રનમાં બાકીની ૬ વિકેટ ગુમાવી ચૂકી હતી.

બંગલા દેશે સારી શરૂઆત કરતાં પહેલી વિકેટ માટે ૫૦ રનની ભાગીદારી કરી હતી અને ૮૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠી હતી. રિટાયર્ડ હર્ટ થયેલો બંગલા દેશનો ઓપનર પરવેઝ ઇમોન થોડા સમય બાદ ફરીથી મેદાનમાં ઊતર્યો હતો. તેણે ૪૭ રન બનાવ્યા હતા અને તે યશસ્વીનો શિકાર બન્યો હતો. જ્યારે કૅપ્ટન, વિકેટકીપર અકબર અલીએ ૪૩ રન બનાવ્યા હતા. રવિ બિશ્નોઈએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. પ્લેયર ઑફ ધ મૅચ અકબર અલીને અને પ્લેયર ઑફ ધ સિરીઝ માટે યશસ્વી જયસ્વાલને પસંદ કરવામાં આવ્યો હતો.

cricket news sports news sports